JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

પંજાબમાં 2027ની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, AAP સામે કોંગ્રેસની મજબૂત ટક્કર વચ્ચે ભાજપના પ્લાન પર નજર

પંજાબમાં 2027ની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, AAP સામે કોંગ્રેસની મજબૂત ટક્કર વચ્ચે ભાજપના પ્લાન પર નજર
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027ના તાજેતરના સર્વે મુજબ આમ આદમી પાર્ટી સૌથી આગળ છે પરંતુ કોંગ્રેસ તરફથી તેને જોરદાર ટક્કર મળી રહી છે. નશો અને બેરોજગારી જેવા મુદ્દાઓ વચ્ચે ભાજપ અને અકાલી દળના સંભવિત સમીકરણો બાજી પલટી શકે છે.

પંજાબમાં વર્ષ 2027ની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અત્યારથી જ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ૧૧૭ વિધાનસભા બેઠકો ધરાવતા આ સરહદી રાજ્યમાં મતદારોનો મિજાજ જાણવા માટે 'વોટ વાઈબ' દ્વારા તાજેતરમાં 'સ્ટેટ વાઈબ – ટ્રેકર ૨' સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના આંકડા મુજબ હાલ સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) ૩૩.૫ ટકા મત શેર સાથે સૌથી આગળ ચાલી રહી છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ૨૭.૬ ટકા મત સાથે તેને કાંટે કી ટક્કર આપી રહી છે. બંને પક્ષો વચ્ચે માત્ર ૫.૯ ટકાનું જ અંતર હોવાથી આગામી ચૂંટણી અત્યંત રોમાંચક બનવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આ ચૂંટણી જંગમાં માત્ર બે પક્ષો જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી ૧૪.૭ ટકા, શિરોમણી અકાલી દળ ૧૨.૫ ટકા અને અમૃતપાલ સિંહની 'વારિસ પંજાબ દે' પાર્ટી ૮.૧ ટકા મત મેળવી શકે છે તેવું અનુમાન છે. ખાસ કરીને ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે, જો આ બંને પક્ષો હાથ મિલાવશે તો પંજાબના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ શકે છે. મુખ્યમંત્રી પદની લોકપ્રિયતાની વાત કરીએ તો, વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન ૩૫.૯ ટકા લોકોની પહેલી પસંદ બનીને સૌથી આગળ છે, જ્યારે કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની ૧૯ ટકા લોકોના સમર્થન સાથે બીજા ક્રમે છે.

જમીની સ્તરે પંજાબના મતદારો સમક્ષ નશો અને બેરોજગારી સૌથી મોટા પડકારો તરીકે ઉભરી આવ્યા છે. સર્વે અનુસાર ૩૧.૧ ટકા મતદારોએ નશાને અને ૨૩ ટકા લોકોએ બેરોજગારી તથા સ્થળાંતરને રાજ્યની સૌથી મોટી સમસ્યા ગણાવી છે, જેમાં યુવા વર્ગમાં ચિંતાનું પ્રમાણ વધુ છે. સરકારના એકંદર કામકાજ સામે ૪૨.૯ ટકા લોકો અસંતુષ્ટ છે, જ્યારે ધારાસભ્યો સામેની નારાજગી તો ૫૨.૪ ટકા સુધી ઊંચી નોંધાઈ છે. આમ, જનતાનો વર્તમાન જનપ્રતિનિધિઓ પ્રત્યેનો રોષ અને બદલાતા રાજકીય સમીકરણો 2027ના રણસંગ્રામમાં કીર્તિમાન સ્થાપિત કરવામાં નિર્ણાયક સાબિત થશે.

LATEST ARTICLES