અમેરિકાના રાજકારણ અને વૈશ્વિક ટેક્નોલોજી જગતમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે, જેમાં દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીધા વિવાદના ઘેરામાં આવ્યા છે. એન્ટી-કરપ્શન ગ્રૂપ 'ડીક્લેપ્ટોક્રેસી'ના પબ્લિક ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર એનાલિસિસ અને 'ધ ગાર્ડિયન'ના અહેવાલ મુજબ, ટ્રમ્પે ચીનને લઈને એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ એક્સપોર્ટ પરનો પ્રતિબંધ હટાવવાના ઠીક એક દિવસ પહેલાં જ મિલિયન્સ ડોલરના એનવિડિયા (NVIDIA) કંપનીના શેરો ખરીદ્યા હતા. આ નીતિગત ફેરફારને કારણે એનવિડિયા માટે ચીનનું વિશાળ બજાર ફરીથી ખુલી ગયું હતું અને કંપનીના શેરોમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી રોકાણકારોને અધધ ફાયદો થયો હતો.
આ વિવાદ માત્ર એક વખતની ખરીદી પૂરતો મર્યાદિત નથી પરંતુ વર્ષ ૨૦૨૫ દરમિયાન ટ્રમ્પની નાતિગત નીતિઓ અને રોકાણો વચ્ચેના ગોલમાલ તરફ ઈશારો કરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫માં પણ ટ્રમ્પે ૫ મિલિયન ડૉલર કે તેથી વધુ રકમના એનવિડિયા શેરો ખરીદ્યા હતા, જે સમયગાળો સરકારે ચીનને નવી H200 ચિપ્સ સપ્લાય કરવાની મંજૂરી આપી તેની સાથે બરાબર સુસંગત છે. એટલું જ નહીં, આ સમગ્ર વર્ષ દરમિયાન ટ્રમ્પે AI સંબંધિત કુલ ૬૮ કંપનીઓમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે, જેમાં એકલા એનવિડિયામાં જ ૫૩ ટ્રેડ અને એપલ તેમજ માઈક્રોસોફ્ટ જેવી અગ્રણી ટેક કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
આ ગંભીર ખુલાસા બાદ કેપિટલ હિલ (અમેરિકી સંસદ) માં ભારે રાજકીય હોબાળો મચી ગયો છે અને ડેમોક્રેટિક સાંસદોએ આ ટ્રેડિંગના સમય તથા હિતોના ટકરાવ ('કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ') અંગે સત્તાવાર તપાસની ઉગ્ર માગ કરી છે. બીજી બાજુ, પ્રમુખ ટ્રમ્પના સલાહકારોએ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દેતાં સ્પષ્ટતા કરી છે કે આ નાણાકીય લેવડ-દેવડ સંપૂર્ણપણે ઓટોમેટેડ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો દ્વારા કરવામાં આવી હતી. જોકે, એનવિડિયાના પૂર્વ સીઇઓ જેન્સન હુઆંગનું ચાઇના કનેક્શન અને રાજીનામું તથા વ્હાઇટ હાઉસના પ્રોજેક્ટ માટે કંપની દ્વારા કરવામાં આવેલું ૨૫ મિલિયન ડૉલરનું ફંડિંગ આ સમગ્ર પ્રકરણને વધુ શંકાસ્પદ અને વિવાદાસ્પદ બનાવી રહ્યું છે.
