ઉત્તર ભારતીય સમુદાયના સૌથી મહત્ત્વપૂર્ણ અને આસ્થાના પ્રતિકસમાન છઠ્ઠ પૂજાના પાવન પર્વને લઈને અમદાવાદમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. નગરના ઇકો-ફ્રેન્ડલી અને આકર્ષક કેન્દ્ર સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા છઠ્ઠ ઘાટને અત્યારથી જ રંગબેરંગી રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યો છે. સૂર્યદેવ અને છઠ્ઠ મૈયાની ઉપાસના માટે જાણીતા આ મહાપર્વને વધાવવા માટે પ્રશાસન અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર રિવરફ્રન્ટ પરિસરમાં અત્યારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જામવા લાગી છે.
આ વર્ષે છઠ્ઠ પૂજામાં હજારોની સંખ્યામાં વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓ એકસાથે ઉપસ્થિત રહીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી શકે તે માટે વિશાળ સ્તરે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પૂજા-વિધિ કરવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સાબરમતી નદીમાં પૂરતા પાણીની વિશેષ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત, પૂજા માટે આવતા પરિવારજનો અને વ્રતધારીઓ સરળતાથી બેસી શકે તથા ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી શકે તે માટે સિટીંગ અરેન્જમેન્ટ સહિતની પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
માત્ર ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત ન રહેતા આ મહાપર્વની દિવ્યતામાં વધારો કરવા માટે છઠ્ઠ ઘાટ પર વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ઉપસ્થિત જનમેદનીને સાંસ્કૃતિક રંગોમાં તરબોળ કરશે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર ઉમટી રહ્યા છે. સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓના ત્રિવેણી સંગમ સમાન આ ભવ્ય આયોજનથી અમદાવાદમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતનું અદ્ભુત ચિત્ર જોવા મળી રહ્યું છે.
