વિશ્વભરમાં આબોહવા પરિવર્તનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે ડ્રેગન તરીકે ઓળખાતા દેશે યુએન ક્લાઈમેટ ટોક્સ એટલે કે COP33ની યજમાની નહીં કરવાનો નિર્ણય કર્યો છે. અંતાલ્યા ખાતે ચાલી રહેલી કોપ-૩૧ કોન્ફરન્સમાં સામે આવેલા અહેવાલો મુજબ, ચીને છેલ્લા કેટલાક મહિનાઓથી આ અંગે ગંભીર વિચારણા કરી હતી, પરંતુ અંતે આ વૈશ્વિક પરિષદ યોજવાથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. ચીની સરકારે ક્યારેય સત્તાવાર રીતે આ યજમાનીમાં રસ દાખવ્યો ન હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સૂત્રોના જણાવ્યા અનુસાર બેઇજિંગે આ રેસમાંથી પોતાનું નામ સત્તાવાર રીતે બાકાત કરી દીધું છે.
ચીન દ્વારા યજમાનીનો ઇનકાર કર્યા બાદ હવે એશિયા-પૅસિફિક ક્ષેત્રના અન્ય દેશો પર આ જવાબદારી સ્વીકારવાની તક ઊભી થઈ છે. નિયમો અનુસાર COP33 યોજવાનો વારો આ જ ક્ષેત્રનો છે. અગાઉ એપ્રિલ મહિનામાં ભારતે પણ કોઈ ચોક્કસ કારણ આપ્યા વિના આ ઇવેન્ટની યજમાની કરવાની પોતાની દરખાસ્ત પાછી ખેંચી લીધી હતી, જ્યારે દક્ષિણ કોરિયાએ અગાઉ આમાં રસ દાખવ્યો હતો. જો ચીને યજમાની સ્વીકારી હોત તો તે વૈશ્વિક સ્તરે એક રસપ્રદ અને નોંધપાત્ર બાબત બની રહેત, કારણ કે ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરતો આ દેશ હાલમાં મોટા પાયે રિન્યૂએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યો છે.
આગામી વર્ષ ૨૦૨૮માં યોજાનારી આ સીઓપી-૩૩ સમિટ પર સમગ્ર વિશ્વની નજર રહેશે, કારણ કે આ પરિષદમાં પેરિસ કરારના લક્ષ્યોને પહોંચી વળવામાં વિશ્વ ક્યાં પાછળ રહી ગયું છે તેનું 'ગ્લોબલ સ્ટોકટેક' એટલે કે સિંહાવલોકન કરવામાં આવશે. તે જ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ નવી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. અમેરિકાએ ભૂતકાળમાં ક્લાઈમેટ નેગોશિએશન્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે ત્યારે ચીનનો આ નિર્ણય વૈશ્વિક આબોહવા રાજનીતિ અને પર્યાવરણીય સહકારની દિશામાં એક નવું સમીકરણ ઊભું કરે છે.
