એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) એ વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થા અને વ્યાપારને પ્રોત્સાહન આપતું એક પ્રમુખ ફોરમ છે, જે વૈશ્વિક જીડીપીના આશરે 62 ટકા અને વૈશ્વિક વેપારના અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૯૮૯માં કેનબેરા ખાતે સ્થપાયેલા આ સંગઠનની વિશેષતા એ છે કે તે રાષ્ટ્રોને બદલે સભ્ય અર્થવ્યવસ્થાઓ તરીકે કામ કરે છે, જેના કારણે હોંગકોંગ અને તાઇવાન જેવા પ્રદેશો પણ તેમાં ભાગ લઈ શકે છે, જો કે ભારત આનો હિસ્સો નથી. આ વર્ષે ચીનના ટેક્નોલોજી હબ અને હુવાવે, ટેન્સેન્ટ જેવા દિગ્ગજ ઉદ્યોગોનું ઘર ગણાતું શેનઝેન શહેર ત્રીજી વખત આ પ્રતિષ્ઠિત શિખર સંમેલનની યજમાની કરી રહ્યું છે, જે ચીનની ટેક્નોલોજી અને વિકાસની નેમ દર્શાવે છે.
આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અધ્યક્ષસ્થાન સંભાળશે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ નિશ્ચિત માનવામાં આવી રહી છે. ૧૮ અને ૧૯ નવેમ્બરના રોજ યોજાનાર આ નેતાઓની બેઠક અગાઉ ૧૭-૧૮ નવેમ્બરે સીઈઓ (CEO)નું વાર્ષિક શિખર સંમેલન પણ યોજાશે. તાઇવાન તરફથી એસરના સ્થાપક સ્ટેન શિહને વિશેષ દૂૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જાપાન અને ન્યુઝીલેન્ડના પ્રતિનિધિમંડળની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. આ બેઠક દરમિયાન વૈશ્વિક નેતાઓ વચ્ચેની ત્રિપક્ષીય ગતિશીલતા પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
સંમેલનના એજન્ડામાં મધ્ય પૂર્વની અસ્થિરતાથી ઊભા થતા ઊર્જા સુરક્ષા અને ફુગાવા જેવા આર્થિક પ્રશ્નો ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચેના વેપાર સંબંધો મુખ્ય રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, દુર્લભ ખનિજોની આપૂર્તિ, ટૅરિફ અને તાઇવાનને લઈને અમેરિકી શસ્ત્ર વેચાણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત, દક્ષિણ ચીન સાગરના વિવાદો અને જાપાન-ચીન તથા ફિલિપાઈન્સ વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવની અસરો પણ આ મંચ પર પડઘાય તેવી શક્યતા છે, જે વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.
