કોલકાતાથી મિઝોરમ તરફ જઈ રહેલી મહત્વપૂર્ણ કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ સાથે આસામના કામરૂપ (મેટ્રોપોલિટન) જિલ્લાના ડિગારુ રેલવે સ્ટેશન પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે 6:54 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સીમા રેલવે (NFR) ના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને ટ્રેક સાફ કરવા તથા રાહત કામગીરી માટે તાત્કાલિક રેસ્ક્યુ ટ્રેન મોકલી આપવામાં આવી હતી. પૂર્વોત્તર સીમા રેલવેના જનરલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પુનઃસ્થાપન કામગીરીની દેખરેખ કરી રહ્યા છે.
આ દુર્ઘટનાનો એક અત્યંત ચોંકાવનારો અને ડ્રામેટિક 45 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકોપાઇલટની લાચારી સ્પષ્ટપણે જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં કેબિનની અંદર એક વ્યક્તિ અવાજ કરી રહ્યો છે કે બ્રેક પાઈપ (BP) નું પ્રેશર ઘટી રહ્યું નથી અને સિગ્નલ લાલ હોવા છતાં ઈમરજન્સી બ્રેક કામ કરી રહી નથી. ડ્રાઈવર પાવર લીવર અને વિવિધ સ્વીચો સક્રિય કરવાના તમામ પ્રયાસો કરી રહ્યો છે, પરંતુ કંઈપણ કામ કરી રહ્યું નથી તેમ કહીને અફરાતફરીનો માહોલ દર્શાવવામાં આવ્યો છે. ટ્રેન જ્યારે કોઈ અવરોધ સાથે અથડાય છે ત્યારે કેબિનમાં રાખેલી કાચની બોટલ નીચે પટકાઈ જાય છે. આ ભયાનક ક્ષણો દરમિયાન કેબિનમાં રહેલા લોકોની ચિંતા અનેકગણી વધી ગઈ હતી કારણ કે ટ્રેનને નિયંત્રિત કરવાનો તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.
ટ્રેનના પેન્ટ્રી કાર મેનેજરે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે ગુવાહાટી સુધી મુસાફરી સામાન્ય રહી હતી અને ત્યાંથી ટ્રેન આગળ વધી હતી. જ્યારે ટ્રેન ડિગારુ સ્ટેશન પાસે પહોંચી ત્યારે થોડીધીમી પડી અને પ્લેટફોર્મ પાર કરતી વખતે એક રહસ્યમય અવાજ સંભળાયો હતો, જેના થોડી જ મિનિટોમાં એન્જિન પાટા પરથી ઉતરી ગયું હોવાનો અનુભવ થયો હતો. આ સ્થિતિમાં પણ ટ્રેન લગભગ એક કિલોમીટર સુધી આગળ વધતી રહી અને મુસાફરો પોતાની બેઠકો પરથી નીચે પટકાયા હતા. ગેટ ન ખુલી શકવાને કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, પરંતુ અંતે ટ્રેન રોકાઈ જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અકસ્માતમાં પાવર કાર અને એન્જિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, જ્યારે ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
