વિશ્વની સૌથી મોટી ચિપમેકર કંપની એનવીડિયાના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેન્સેન હુઆંગના અંગત જીવનને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. હુઆંગે એલિસ હુઆંગ નામની એક બિઝનેસ એક્ઝિક્યુટિવ સાથે વિવાહિત સંબંધ બહારના સંબંધો (એક્સ્ટ્રામેરિટલ અફેરમાં) હોવાનું સ્વીકાર્યું છે, જેના પર યુએસ ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તે ચીની જાસૂસ હોઈ શકે છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ એનવીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ન્યૂયોર્કની જાણીતી લૉ ફર્મ 'વાશ્ટેલ, લિપટન, રોસેન એન્ડ કૅટ્ઝ'ને આ મામલાની ઊંડાણપૂર્વક અને સ્વતંત્ર તપાસ કરવાની જવાબદારી સોંપી છે. આ તપાસનું નેતૃત્વ પ્રખ્યાત વકીલ અને ન્યૂયોર્કના પૂર્વ કાર્યકારી યુએસ એટર્ની જૂન એચ. કિમ કરી રહ્યા છે, જે અગાઉ પણ અનેક હાઇ-પ્રોફાઇલ કેસો સંભાળી ચૂક્યા છે.
કંપનીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત ડેટા સાથે કોઈ ચેડા થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ બોર્ડ તમામ પાસાઓની ગંભીરતાથી ચકાસણી કરી રહ્યું છે. સીઈઓ જેન્સેન હુઆંગ પણ આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. બીજી તરફ, ચીને આ તમામ જાસૂસીના દારોને ફગાવી દીધા છે, જ્યારે વિવાદના કેન્દ્રમાં રહેલી એલિસ હુઆંગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ પ્રકરણના કારણે ટેક્નોલોજી જગતમાં અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે એનવીડિયાની અત્યાધુનિક માઈક્રોચિપ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસમાં કરોડરજ્જુ સમાન છે અને ચીન સામે તેના પર નિકાસ પ્રતિબંધો પણ લાગેલા છે.
આ વિવાદ હવે કાનૂની વળાંક પણ લઈ ચૂક્યો છે, કારણ કે કેલિફોર્નિયાની અદાલતમાં એનવીડિયા અને તેના સીઈઓ સામે શેરધારકો દ્વારા એક મુકદ્દમાની અરજી દાખલ કરવામાં આવી છે. શેરધારકોનો આક્ષેપ છે કે કંપનીએ હુઆંગના કથિત ચીની જાસૂસ સાથેના સંબંધો અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર ઊભા થતા જોખમો અંગે રોકાણકારોને અંધારામાં રાખ્યા હતા અને સાચી માહિતી છુપાવી હતી. આ ઉપરાંત, મેગાસ્પીડ સાથેના સંબંધો અને તેનાથી કંપનીની પ્રતિષ્ઠા પર થનારી અસરો બાબતે પણ ખોટા નિવેદનો આપ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક તરફ જ્યાં કંપની બોર્ડના સ્તરે આંતરિક તપાસ ચલાવી રહી છે, તો બીજી તરફ આ કાનૂની લડાઈ એનવીડિયા અને તેના નેતૃત્વ માટે આગામી સમયમાં મોટો પડકાર સાબિત થઈ શકે છે.
