ઉત્તરાખંડના હિમાલયની ગોદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં શીતકાલીન પ્રવાસની ધાર્મિક પરંપરાઓ અંતર્ગત બુધવારે સવારે બાબા કેદારનાથના ગર્ભગૃહના કપાટ વિધિવત રીતે બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર અને વિશેષ સમાધિ પૂજા સંપન્ન થયા બાદ સવારે ૬ વાગ્યે ગર્ભગૃહ અને સાડા આઠ વાગ્યે મુખ્ય કપાટ શિયાળાની ઋતુ માટે બંધ રાખવામાં આવ્યા હતા. આ પાવન અને ભાવુક અવસર પર ભારતીય સેનાના ૧૫ જવાનોની બેન્ડની મધુર ધૂન અને શ્રદ્ધાળુઓ દ્વારા લગાવવામાં આવેલા 'હર હર મહાદેવ'ના નાદથી સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું. બાબા કેદારનાથને ભીની આંખો અને ભાવુક મન સાથે આગામી છ મહિના માટે વિદાય આપવામાં આવી હતી.
મુખ્ય કપાટ બંધ થયા બાદ ભગવાન કેદારનાથની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી પરંપરાગત રીતિ-રિવાજો સાથે ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિર માટે રવાના થઈ છે. આગામી છ મહિના સુધી બાબા કેદારનાથની દૈનિક પૂજા-અર્ચના અને દર્શન આ શીતકાલીન ગદ્દીસ્થળ પર જ સંપન્ન થશે. ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાના કારણે શિયાળાની ઋતુમાં કેદારનાથ ધામમાં જવું અશક્ય બનતું હોય છે, પરંતુ ભક્તોની આસ્થા અખંડ રહે તે માટે ઉત્તરાખંડ પ્રશાસન દ્વારા આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓ ઉખીમઠમાં રહીને પણ બાબાના દર્શન કરી શકે.
આ વર્ષની ચારધામ યાત્રા દરમિયાન કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, જેણે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા હતા. અત્યાર સુધીમાં ૧૯ લાખ ૧૪ હજારથી વધુ ભક્તોએ બાબા કેદારનાથના દરબારમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં કેદારનાથ સહિત ચારધામ યાત્રાનું અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ભલે શિયાળાના આગમનને કારણે મુખ્ય ધામના કપાટ બંધ રહ્યા હોય, પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધા અને 'હર હર મહાદેવ'નો જયધોષ આગામી છ મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં ગુંજતો રહેશે.
