આજે સવારે આસામના દિગારુ રેલવે સ્ટેશન નજીક એક મોટો રેલવે અકસ્માત ટળ્યો હતો, જેમાં કોલકાતાથી મિઝોરમ જઈ રહેલી કોલકાતા-સાઇરાંગ એક્સપ્રેસના પાંચ કોચ અને એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 6:54 વાગ્યે થયો હતો જ્યારે ટ્રેન એક અન્ય ટ્રેનને પાસ થવા માટે જગ્યા આપી રહી હતી. આ દરમિયાન લોકો પાઇલટ ટ્રેનની ઝડપ પર નિયંત્રણ ગુમાવી બેઠા હતા, જેના પરિણામે એન્જિન સહિત કુલ છ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રેલવે દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. માત્ર થોડા જ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.
અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વૈકલ્પિક ટ્રેન દ્વારા મુસાફરોને તેમની મંઝિલ તરફ રવાના કરવામાં આવ્યા છે. હૉસ્પિટલમાં દાખલ કેટલાક મુસાફરોએ વાતચીત દરમિયાન જણાવ્યું કે તેમને હાથ અને પગના ભાગે સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રેલવે વિભાગ આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી રહ્યું છે.
