JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

ડોનાલ્ડ ટ્રમ્પના ૫ અબજ ડોલરના માનહાનિ કેસને ફગાવવાની બીબીસીની અરજી કોર્ટે ફગાવી

Nov 11, 2026 | 08:25 | By JAMNAGAR MIRROR
ડોનાલ્ડ ટ્રમ્પના ૫ અબજ ડોલરના માનહાનિ કેસને ફગાવવાની બીબીસીની અરજી કોર્ટે ફગાવી
યુએસ જજ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના ૫ અબજ ડોલરના માનહાનિ કેસને રદ કરવાની બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીની અપીલ ફગાવી દેવામાં આવી છે. ટ્રમ્પે દસ્તાવેજી ફિલ્મમાં તેમના ભાષણની ગેરમાર્ગે દોરતી એડિટિંગ કરી હિંસા ભડકાવવાનો ખોટો આક્ષેપ લગાવ્યાનો આરોપ મૂક્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) વિરુદ્ધ દાખલ કરેલા મલ્ટી-બિલિયન ડોલરના માનહાનિના કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેફરી ટી. કુંટ્ઝે બીબીસી દ્વારા આ કેસને ફગાવી દેવાની માંગ કરતી અરજીને સત્તાવાર રીતે નકારી કાઢી છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પનો કેસ આગળ વધશે અને આગામી સમયમાં કોર્ટમાં તેની સુનાવણી થશે. ટ્રમ્પે આ મામલે બીબીસી પર આરોપ લગાવ્યો છે કે તેમણે ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કેપિટોલ હિલ પર હુમલો કરવા માટે સમર્થકોને ઉશ્કેર્યા હોવાનું દર્શાવવા માટે એક દસ્તાવેજી ફિલ્મ (ડૉક્યુમેન્ટરી)માં જાણી જોઈને ખોટી રીતે એડિટિંગ કર્યું હતું, જેના કારણે તેમની છબીને ગંભીર નુકસાન પહોંચ્યું છે.

બીબીસીની ડોક્યુમેન્ટરીમાં ટ્રમ્પના તે દિવસના ભાષણના બે અલગ-અલગ હિસ્સાઓને એવી રીતે જોડી દેવામાં આવ્યા હતા કે જેથી એવું લાગે કે તેમણે ખુદ સમર્થકોને યુએસ કેપિટોલ પર હુમલો કરવા માટે સીધી અપીલ કરી હતી. જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ બીબીસીએ માફી પણ માંગી હતી અને તેના કારણે કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ રાજીનામા પણ આપવા પડ્યા હતા, પરંતુ સંસ્થાએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેનાથી ટ્રમ્પને કોઈ વાસ્તવિક નુકસાન થયું છે. ન્યાયાધીશ કુંટ્ઝે પોતાના ૪૦ પાનાના ચુકાદામાં નોંધ્યું છે કે બંને નિવેદનો વચ્ચેના સમયના તફાવતને જોતા એવું સ્પષ્ટ અનુમાન લગાવી શકાય છે કે બીબીસી અગાઉથી જ જાણતી હતી કે આ સેગમેન્ટ સાચું નથી અને તે ક્યારેય સત્ય રજૂ કરી શકે નહીં.

ન્યાયાધીશે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે આ ફક્ત સામાન્ય ફેરફાર નહોતો, પરંતુ મૂળ ભાષણથી તદ્દન વિપરીત અને અલગ જ ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ હતો. આ અદાલતી નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર તેને એક મોટી જીત ગણાવી છે અને અમેરિકી જનતાને ગેરમાર્ગે દોરનારાઓ સામે આ લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ, આ કેસમાં ટ્રમ્પને ગયા મહિને એક ઝટકો પણ લાગ્યો હતો જ્યારે કોર્ટે તેમને ડિસેમ્બર સુધીમાં શપથપત્ર પર નિવેદન નોંધાવવા માટે આદેશ આપ્યો હતો, નહીં તો તેમને કાનૂની પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

LATEST ARTICLES