વિશ્વની અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ ઉત્પાદક કંપની એનવીડિયાના સહ-સ્થાપક અને સીઈઓ જેેનસન હુઆંગે સિંગાપોર સ્થિત મેગાસ્પીડ કંપનીની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથેના સંબંધોની કબૂલાત કરી છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે એલિસ હુઆંગ ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હતી. આ ખુલાસા બાદ વોશિંગ્ટનના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે જેેનસન હુઆંગ અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના AI સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને તેમણે ચીનને અદ્યતન ચિપ્સના વેચાણ પરના પ્રતિબંધો હટાવવા માટે લાંબી લોબીંગ કરી હતી.
આ સમગ્ર પ્રકરણને કારણે અમેરિકાના નીતિઘડૈયાઓ અને ચીન વિરોધી સાંસદોને લાંબા સમયથી બાજુ પર મૂકાયેલા કડક નિર્ણયો લેવા માટે નવું હથિયાર મળી ગયું છે. નિષ્ણાતોના મતે, વોશિંગ્ટનમાં હવે ચીન સાથેની ટેકનોલોજીકલ અને સૈન્ય સર્વોપરિતાની સ્પર્ધા વધુ તીવ્ર બનશે અને આ મામલે અત્યાર સુધીની સૌથી ગંભીર તપાસ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના સમિતિ અધ્યક્ષોએ જેેનસન હુઆંગને આગામી ૧૮ નવેમ્બરે ગુપ્ત બેઠકમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે, જેમાં જાસૂસી વિરોધી સુરક્ષા ઉપાયો અને તેમના સંબંધો અંગે કડક પૂછપરછ કરવામાં આવશે.
આ કૌભાંડની સીધી અસર અમેરિકાના વહીવટી તંત્ર અને સંસદ પર જોવા મળી રહી છે, જ્યાં હવે એઆઈ ઓવરવોચ એક્ટ જેવા બિલને ફરીથી જીવંત કરવાના પ્રયાસો શરૂ થયા છે. આ કાયદો કોંગ્રેસને ચીન જેવા પ્રતિસ્પર્ધી દેશોમાં અદ્યતન એઆઈ ચિપ્સની નિકાસના લાયસન્સની સમીક્ષા કરવાની અને તેને અટકાવવાની સત્તા આપશે. જોકે, આ સખત નિયમોના અમલીકરણથી ચીન સાથેના વેપારી સંબંધો બગડવાની અને સપ્લાય ચેઈનને અસર થવાની પણ પૂરી સંભાવના છે, જેની સીધી અસર વૈશ્વિક ટેકનોલોજી બજાર પર પડી શકે છે.
