અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ફેડરલ જજ જેફરી કુંટ્ઝે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) સામેનો માનહાનિનો મુકદ્દમો કાયદાકીય રીતે આગળ વધી શકે છે. જો કે, અદાલતે બીબીસી સામેના અયોગ્ય વેપાર પ્રથાઓના દાવાને ફગાવી દીધો છે. ટ્રમ્પે બ્રિટનની આ પબ્લિક ફંડેડ ન્યૂઝ ચેનલ સામે તેમની 2021ની કેપિટોલ હિલની ઘટના સંબંધિત એક ભાષણની ક્લિપ સાથે છેડછાડ કરવા બદલ ઓછામાં ઓછા 10 અબજ ડૉલરનું નુકસાન વળતર માંગ્યું છે. ટ્રમ્પનો આરોપ છે કે બીબીસીએ તેમના ભાષણના ભાગોને ખોટી રીતે જોડીને એવું દર્શાવ્યું હતું કે તેમણે સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા.
આ વિવાદ વર્ષ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રસારિત થયેલા બીબીસીના જાણીતા કાર્યક્રમ 'પેનોરમા' (Panorama) ડ્યુક્યુમેન્ટ્રી સાથે જોડાયેલો છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ટ્રમ્પના ભાષણના એ ભાગોને ભેગા કરવામાં આવ્યા હતા જેમાં તેમણે સમર્થકોને કેપિટોલ તરફ કૂચ કરવા અને 'નરકાગારની જેમ લડવા' (fight like hell) કહ્યું હતું, જ્યારે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની અપીલ કરતા ભાગને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યો હતો. આ એડિટિંગ એટલું વિવાદાસ્પદ બન્યું કે અંદરની લીક થયેલી મેમોમાં તેને રાજકીય પક્ષપાત ગણાવવામાં આવ્યો, જેના કારણે ચેનલને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો અને ઉચ્ચ સ્તરે રાજીનામા પણ આપવા પડ્યા. બીબીસીએ અગાઉ આ ભૂલ સ્વીકારીને માફી પણ માંગી હતી, પરંતુ માનહાનિની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
જજ જેફરી કુંટ્ઝે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પે એવા પૂરતા પુરાવા રજૂ કર્યા છે કે જેનાથી તે સાબિત થાય છે કે બીબીસીના આ કૃત્યથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને સંસ્થા જાણતી હતી કે આ ક્લિપ ગેરમાર્ગે દોરનારી છે. જો કે, અદાલતે હાલમાં એ વાતનો કોઈ નિર્ણય નથી લીધો કે ટ્રમ્પે પોતાના દાવાઓને સંપૂર્ણપણે સાબિત કરી દીધા છે કે નહીં. આ કેસ એવા અનેક ખાનગી મુકદ્દમાઓનો એક ભાગ છે જે ટ્રમ્પે મીડિયા સંસ્થાઓ સામે તેમની કવરેજ પદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કરીને દાખલ કર્યા છે. આ કાનૂની લડાઈ આગામી દિવસોમાં મીડિયાની સ્વતંત્રતા અને જવાબદારી પર એક મોટો દાખલો બેસાડી શકે છે.
