ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના ખજુરહા ગામમાં એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં નજીવી રકમની લેવડદેવડ બાબતે થયેલા વિવાદે એક નિર્દોષ યુવકનો જીવ લીધો છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, મૃતક ૨૮ વર્ષીય ખર્ગસેન શારીરિક રીતે દિવ્યાંગ હતો. તેણે દીવાળીના પાવન અવસર પર ગામના જ એક મંદિર પર લાઈટ ફિટિંગનું કામ કરાવવા માટે સિયારામ નામના શખ્સને અગાઉ ૨૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, સમય વીતી જવા છતાં સિયારામ દ્વારા મંદિર પર લાઈટો લગાવવામાં આવી ન હતી અને કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું.
જ્યારે ખર્ગસેને પોતાનું કામ ન થવાનું જાણીને સિયારામ પાસે પોતાના આપેલા ૨૦૦ રૂપિયા પાછા માંગ્યા, ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય રકમનો વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાંા આવેલા સિયારામે દિવ્યાંગ ખર્ગસેન પર ક્રૂરતાપૂર્વક હુમલો કરી દીધો હતો. આ અચાનક થયેલી હિંસાત્મક ઘટનામાં ખર્ગસેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ ઘટનાની ગંભીરતા જોતા તેને પ્રાથમિક સારવાર અપાવી હતી અને ત્યારબાદ ઘરે લઈ આવ્યા હતા, પરંતુ તેની તબિયતમાં સુધારો થવાને બદલે ક્રમશઃ બગડતી ગઈ હતી.
મંગળવારની વહેલી સવારે ખર્ગસેનની તબિયત અચાનક વધુ લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક પીલીભીત મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેનું દુઃખદ અવસાન થયું હતું. આ મામલે સુંગઢી પોલીસ સ્ટેશનના એસએચઓ નરેશ કુમાર ત્યાગીએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોની સત્તાવાર ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર માની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે.
