કચ્છ પોલીસ દ્વારા સાયબર અપરાધીઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 8.46 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડીઓ અત્યંત આયોજનબદ્ધ રીતે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીઓ સામાન્ય લોકોના નામે અથવા તો આર્થિક લાલચ આપીને ભાડાના બેંક એકાઉન્ટ્સ મેળવતા હતા અને તે ડમી ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરતા હતા. માત્ર એટલું જ નહીં, આ નાણાકીય કૌભાંડને અંજામ આપવા માટે તેઓએ કેટલીય બોગસ શેલ કંપનીઓ પણ ઊભી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પોલીસે આ જટિલ અને વ્યાપક સાયબર ક્રમની તપાસ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે ગુજરાત ઉપરાંત દેશના અન્ય 8 રાજ્યોમાંથી કુલ 13 કુશળ સાયબર અપરાધીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દરોડાની આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, બે લેપટોપ તેમજ સીપીયુ અને હાર્ડડિસ્ક જેવા મહત્વપૂર્ણ ટેકનિકલ ઉપકરણો જપ્ત કર્યા છે. આ ઉપકરણોની ફોરેન્સિક તપાસ બાદ આ રેકેટ સાથે જોડાયેલા વધુ મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે, કારણ કે આ સાધનો થકી જ તેઓ દેશભરના નાગરિકોને પોતાના નિશાના પર લેતા હતા.
ગુલામી કે લાચારીના નામે છેતરપિંડી આચરતી આ ગેંગ સામે પોલીસની સતર્કતાથી કરોડો રૂપિયા બચી ગયા છે, જેમાં પોલીસે સમયસર પગલાં ભરીને આ ફ્રોડ સાથે સંકળાયેલા રૂપિયા 3.82 કરોડથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરાવી દીધી છે. પોલીસની વધુ સઘન તપાસમાં એવા ચોંકાવનારા તથ્યો પણ બહાર આવ્યા છે કે ઝડપાયેલા આ 13 આરોપીઓ પૈકી 4 શખ્સો અગાઉથી જ ગેરકાયડેસર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે અગાઉ પણ દેશના અન્ય રાજ્યોમાં છેતરપિંડી તથા ગુનાહિત કેસો નોંધાયેલા છે. હાલ કચ્છ પોલીસ આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને તેમની સાથે સંભવિત અન્ય સાગરિતોને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
