દિવાળીના તહેવારની ઉજવણી બાદ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (IITM) ના ડેટા અને મોડેલ મુજબ, દિવાળીના બીજા દિવસે સોમવારે શહેરમાં ફેલાયેલા કુલ પ્રદૂષણમાં ૮૦ ટકાથી વધુ યોગદાન માત્ર ફટાકડામાંથી નીકળેલા ધુમાડા અને ઝેરી તત્વોનું હતું. અગાઉથી જ અનેક સ્ત્રોતોથી પ્રદૂષણનો સામનો કરી રહેલા દિલ્હી માટે આ ફટાકડાનો માર ખુબ જ ઘાતક સાબિત થયો હતો, જેના કારણે તહેવારના દિવસે સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૭૬ સુધી પહોંચ્યો હતો જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો.
મંગળવારે અનુકૂળ પવનો ફૂકાવાના કારણે પ્રદૂષિત કણો વિખેરાતા હવાની ગુણવત્તામાં આંશિક સુધારો જોવા મળ્યો હતો અને બપોરે AQI ઘટીને ૨૯૯ પર એટલે કે 'ખરાબ' શ્રેણીમાં આવ્યો હતો, જો કે સાંજ સુધીમાં તે ફરી વધીને ૩૦૨ પર પહોંચી ગયો હતો. મંગળવારે સવારના સમયગાળા દરમિયાન પણ ફટાકડાના ઝેરી તત્વો હવામાં અકબંધ રહ્યા હતા અને કુલ પ્રદૂષણમાં ૨૯.૯ ટકા હિસ્સો ફટાકડાનો જ હતો, જ્યારે હવામાં રહેલા કણોની રાસાયણિક પ્રક્રિયાથી બનતા સેકન્ડરી ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ૧૭.૫ ટકા સાથે બીજા ક્રમના પ્રદૂષક રહ્યા હતા. આ ઉપરાંત વાહનોમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ ફેલાવવામાં ત્રીજા નંબરનું સૌથી મોટું કારણ બન્યો હતો.
પડોશી રાજ્ય પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓ નોંધાઈ હોવા છતાં, એર ક્વોલિટી મેનેજમેન્ટના અસેસમેન્ટ મુજબ સોમવારે દિલ્હીના પ્રદૂષણમાં પરાળીના ધુમાડાનો હિસ્સો નહિવત રહ્યો હતો. આ સ્પષ્ટ કરે છે કે દિવાળી બાદ તરત જ દેખાયેલી પ્રદૂષણની ભયાનક સ્થિતિ પાછળ બહારનો ધુમાડો નહીં પરંતુ સ્થાનિક સ્તરે ફોડેલા ફટાકડા જ મુખ્યત્વે જવાબદાર હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં પ્રદૂષણની સ્થિતિ સંપૂર્ણપણે પવનોની દિશા અને સામાન્ય પ્રદૂષિત સ્ત્રોતો પર જ નિર્ભર રહેશે.
