JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગર એરફોર્સ સ્ટેશન પર 17 થી 19 નવેમ્બર યોજાશે 'સહાયતા સેતુ' કવાયત

Nov 10, 2026 | 22:20 | By JAMNAGAR MIRROR
જામનગર એરફોર્સ સ્ટેશન પર 17 થી 19 નવેમ્બર યોજાશે 'સહાયતા સેતુ' કવાયત
ભારતીય વાયુસેના દ્વારા જામનગરમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે 'સહાયતા સેતુ' કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતમાં મિત્ર દેશો અને વિવિધ એજન્સીઓ સહભાગી થઈને આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરીનું સંકલન સાધશે.

ભારતીય વાયુસેના દ્વારા આગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ભવ્ય અને મહત્વપૂર્ણ 'સહાયતા સેતુ' કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો અને હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ કવાયતમાં માત્ર ભારત જ નહીં પરંતુ અનેક મિત્ર વિદેશી દેશો અને વિવિધ સરકારી એજન્સીઓ પણ સક્રિયપણે ભાગ લેશે. આ સંયુક્ત આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી આપત્તિઓ કે અન્ય કટોકટીના સમયમાં પ્રભાવિત વિસ્તારો સુધી ઝડપથી મદદ પહોંચાડવા અને બચાવ કામગીરીને વધુ અસરકારક તેમજ વેગવાન બનાવવાનો છે.

આ ત્રિદિવસીય કવાયત દરમિયાન વિવિધ દેશોની ટીમો પરસ્પર સંકલન વધારીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રાહત કાર્યોને અંજામ આપવાની તાલીમ મેળવશે. ભૂકંપ, પૂર, વાવાઝોડું કે અન્ય ગંભીર કુદરતી આફતો વખતે સમયસર સહાય પૂરી પાડવા અને માનવ જીવનની રક્ષા કરવા માટે વાયુસેના હંમેશાં અગ્રેસર રહી છે. આ કવાયત દ્વારા વિમાનો અને અત્યાધુનિક સાધનોની મદદથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા રાહત સામગ્રી વિતરણ કરવાની પ્રક્રિયાને વધુ ધારદાર બનાવવાની વ્યુહરચના ઘડવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈપણ આપત્તિ સામે ત્વરિત પગલાં લઈ શકાય.

આ રાષ્ટ્રીય મહત્ત્વની કવાયતને નિહાળવા માટે દેશના વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના શીર્ષસ્થ મહાનુભાવો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તેમજ સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ પ્રકારના વૈશ્વિક સ્તરના આયોજનોથી ભારત અને મિત્ર રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહયોગ, મિત્રતા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે સમજણ વધુ ગાઢ બનશે. આ કવાયત માત્ર કટોકટીના સમયની તૈયારીઓનું પરિક્ષણ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી સહાયતા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પણ મજબूती પ્રદાન કરશે.

LATEST ARTICLES