JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સોનિયા ગાંધીના સંસ્મરણો: રાજિવ ગાંધી સાથેના પ્રથમ સંતાનના અકાળ અવસાનની હૃદયદ્રાવક કહાની

Nov 10, 2026 | 15:55 | By JAMNAGAR MIRROR
સોનિયા ગાંધીના સંસ્મરણો: રાજિવ ગાંધી સાથેના પ્રથમ સંતાનના અકાળ અવસાનની હૃદયદ્રાવક કહાની
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેમના નવા પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં રાહુલ ગાંધીના જન્મ પહેલા ગુમાવેલા તેમના પ્રથમ પુત્રના દુઃખદ અવસાન અને પારિવારિક સંઘર્ષના સંસ્મરણો વાગોળ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીએ તાજેતરમાં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં એક એવી વ્યક્તિગત ઘટનાનો ખુલાસો કર્યો છે, જેનો જાહેરમાં ક્યારેય ઉલ્લેખ થયો ન હતો. પુસ્તક અનુસાર, જાન્યુઆરી ૧૯૬૯માં સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના ઘરે ખુશીઓ આવી હતી, પરંતુ તે લાંબું ન ટકી શકી. સગર્ભાવસ્થાના સાતમા મહિને જ પ્રસૂતિ પીડા ઉપડતા સોનિયા ગાંધીએ ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એક અકાળ શિશુને જન્મ આપ્યો હતો. સમય પહેલા જન્મેલું હોવા છતાં બાળક દેખાવે સ્વસ્થ અને સુંદર હતું, જેને જોઈને દંપતી તરત જ તેના પ્રેમમાં પડી ગયું હતું. પરંતુ કિસ્મતના લેખ કંઈક અલગ જ હતા અને માત્ર થોડા જ કલાકોમાં આ નવજાત શિશુએ દુનિયા છોડી દીધી હતી.

આ અચાનક આવેલી આફતથી ગાંધી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ડૉક્ટરોની ચેતવણી છતાં જ્યારે બીજા દિવસે સવારે બાળકના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે સોનિયા ગાંધી સ્તબ્ધ થઈ ગયા હતા અને રાજીવ ગાંધી પણ પોતાની લાગણીઓ રોકી ન શક્યા હતા. તે સમયે પ્રવાસે રહેલા ઈન્દિરા ગાંધી પણ સમાચાર મળતા જ પ્રવાસ અધવચ્ચે છોડીને હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પુત્રવધૂ તથા પુત્રને ભેટીને સાંત્વના આપી હતી. આ દુઃખદ સમયમાં બાળકને કઈ રીતે વિદાય આપવી તે પણ એક મોટો પ્રશ્ન બન્યો હતો. પરંપરાગત રીતિ-રિવાજો હેઠળ નવજાત શિશુના દેહને નદીમાં પ્રવાહિત કરવાની વાત સાંભળીને સોનિયા ગાંધી ધ્રૂજી ઉઠ્યા હતા અને તેમણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

અંતે, પરિવાર દ્વારા દક્ષિણ દિલ્હીના મહેરાઉલી ખાતે આવેલા ફિરોઝ ગાંધીના ફાર્મમાં ગુલાબી બોગનવેલિયાના છોડ નીચે બાળકને દફનાવવાનો નિર્ણય લેવાયો, જ્યાં રાજીવ ગાંધી અને સંજય ગાંધીએ અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દુઃખદ ઘટનાએ સોનિયા ગાંધીના હૃદય પર ઊંડા ઘા છોડી દીધા હતા, અને તેમાંથી બહાર આવતા તેમને મહિનાઓ લાગ્યા હતા. આ સંસ્મરણોમાં તેમણે તે સમયના કેટલાક ક્રૂર રાજકીય અને સામાજિક કટાક્ષોનો પણ ઉલ્લેખ કર્યો છે જેણે તેમના કોમળ હૃદયને ઠેસ પહોંચાડી હતી. આ દુઃખના કાળા વાદળો વચ્ચે, તે જ વર્ષના અંતે તેઓ ફરી ગર્ભવતી બન્યા અને ૧૯ જૂન ૧૯૭૦ના રોજ રાહુલ ગાંધીનો જન્મ થયો, જેણે પરિવારમાં ફરીથી ખુશીઓ પાછી લાવી.

LATEST ARTICLES