JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયા ગાંધીએ ભારત છોડવાનો ઇનકાર કેમ કર્યો હતો? પુસ્તકમાં થયો ખુલાસો

Nov 10, 2026 | 14:10 | By JAMNAGAR MIRROR
રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયા ગાંધીએ ભારત છોડવાનો ઇનકાર કેમ કર્યો હતો? પુસ્તકમાં થયો ખુલાસો
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેમના સંસ્મરણો 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'માં રાજીવ ગાંધીની હત્યા પછીના દર્દનાક દિવસો અને ભારત પ્રત્યેના તેમના અતૂટ લગાવ વિશે વાતો કરી છે. પુસ્તકના પ્રકાશન પૂર્વે આપેલા એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીએ પણ તે સમયના પારિવારિક સંઘર્ષને યાદ કર્યો છે.

વર્ષ ૧૯૯૧ના મે મહિનામાં તમિલનાડુમાં એક આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારે સોનિયા ગાંધીનું આખું વિશ્વ વિખેરાઈ ગયું હતું. આ ભયંકર દુઃખમાંથી બહાર આવવા માટે તેમના બહેને તેમને તાત્કાલિક ઇટાલી પરત ફરી જવા આગ્રહ કર્યો હતો, પરંતુ સોનિયા ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં ભારત છોડવાનો ઇનકાર કરી દીધો હતો. 'બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન'ને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત માત્ર તેમનું જ નહીં પરંતુ તેમના બાળકોનું પણ ઘર બની ચૂક્યું હતું. તેમનાં આ સંસ્મરણો યુદ્ધોત્તર ઇટાલીમાં તેમના બાળપણથી લઈને રાજીવ ગાંધી સાથેના પ્રેમ, ભારતમાં વિતાવેલું જીવન અને દેશ સાથેના તેમના ગાઢ સંબંધોને કંડારે છે.

આ ઇન્ટરવ્યુ દરમિયાન સોનિયા ગાંધીની બાજુમાં બેઠેલાં તેમના પુત્રી પ્રિયંકા ગાંધીએ તે દર્દનાક દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે તેમની માતા આઘાતમાં ડૂબી ગયા હતા. સોનિયા ગાંધી આખો દિવસ અંધારા રૂમમાં બેસીને મોઝાર્ટનું 'રેક્વીમ' સંગીત સાંભળતા અને પોતાના દુઃખમાં ગરકાવ રહેતા. પ્રિયંકાએ માતા સામે જોઈને એ પણ યાદ કર્યું કે તે સમયે સોનિયા ગાંધી રાજીવ ગાંધી પર ગુસ્સે થતા અને રડતાં રડતાં પૂછતાં કે, "તેમણે મને આ રીતે કેવી રીતે છોડી દીધી, તેઓ કેમ ચાલ્યા ગયા?" પરિવાર અગાઉ ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી પણ આવા જ ભયના સાયા હેઠળ જીવતો હતો અને દંપતીએ તો અગાઉથી જ તેમની અંતિમક્રિયા માટેની નોટ્સ પણ તૈયાર કરી રાખી હતી.

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સ એજન્સીઓને રાજીવ ગાંધી પરના જોખમ અંગે અગાઉથી જ ઇનપુટ્સ મળ્યા હતા, પરંતુ તેઓ માને છે કે આ હત્યા પાછળનું સાચું સત્ય હવે ક્યારેય બહાર નહીં આવે. ઇટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધી ૧૯૬૮માં લગ્ન પછી ભારત આવ્યા હતા અને શરૂઆતમાં રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતુ રાજીવ ગાંધીની હત્યાએ તેમને જાહેર જીવનમાં પ્રવેશવા મજબૂર કર્યા. વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસ પક્ષ સંકટમાં હતો ત્યારે તેમણે અધ્યક્ષપદ સંભાળ્યું અને ૨૦૦૪માં યુપીએની જીત બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમનું આ નવું પુસ્તક તેમના જીવનના અનેક અનકહ્યા પાસાઓ પર પ્રકાશ પાડે છે.

LATEST ARTICLES