કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' પુસ્તકમાં પરિવારના રાજકીય સફરને લઈને અનેક રસપ્રદ ખુલાસાઓ સામે આવ્યા છે. પુસ્તકમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે જ્યારે તેમના પતિ રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખૂબ જ આજીજી કરી હતી કે તેઓ આ જોખમી દુનિયામાં પગ ન મૂકે. કારણ કે તેઓ પોતાના પરિવારને તે ભયાનક વાતાવરણથી બચાવવા માંગતા હતા. જોકે, વર્ષો પછી જ્યારે તેમના પુત્ર રાહુલ ગાંધીએ પોતાના જીવનને રાજકારણ માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેમણે અગાઉની જેમ કોઈ વિરોધ ન કર્યો અને તેને સ્વીકારી લીધો.
રાહુલ ગાંધીના રાજકારણ પ્રત્યેના લગાવ વિશે વાત કરતા સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે રાહુલને બાળપણથી જ રાજકારણમાં રસ હતો અને તે તથા પ્રિયંકા ગાંધી બંને તેમના માતા-પિતાના મતવિસ્તાર અમેઠી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. રાજીવ ગાંધી શાળાના દિવસોથી જ રાહુલને અમેઠી લઈ જતા હતા જેથી તે ગ્રામીણ ભારતના વાસ્તવિક જીવનથી પરિચિત થઈ શકે. વિદેશમાં કેમ્બ્રિજ ખાતે ડેવલપમેન્ટ સ્ટડીઝમાં એમ.ફિલનો અભ્યાસ કરતા હોવા છતાં રાહુલ ભારતની રાજકીય ઘટનાઓ પર સતત નજર રાખતા હતા. પાર્ટી દ્વારા સતત દબાણ અને પીએમ કે પ્રિયંકા સાથેની લાંબી ચર્ચાઓ બાદ રાહુલે જાહેરમાં આવીને જનસેવા કરવાનો આ મોટો નિર્ણય લીધો હતો.
માર્ચ ૨૦૦૪માં રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી અને તેઓ ભારે બહુમતથી વિજયી બન્યા હતા. ચૂંટણી જીત્યા બાદ તેમણે અમેઠીના ગ્રામીણ વિકાસ માટે ઉત્સાહભેર કામ શરૂ કર્યું અને રાજીવ ગાંધીની જેમ જ ત્યાં ઉદ્યોગો તથા વ્યવસાયોને પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ ઉત્તર ભારતમાં સૌથી મોટા સ્વસહાય જૂથો (SHG) ની રચનામાં સહયોગ આપવા ઉપરાંત એક આધુનિક આંખની હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, પરિવારે જે જોખમોનો સામનો કર્યો હતો તે જાણવા છતાં રાહુલે પોતાના પિતાના મૂલ્યો અને સાહસને જાળવી રાખીને જનતાની સેવા કરવાનો માર્ગ અપનાવ્યો હતો.
