આંધ્રપ્રદેશમાં માર્ચ 2027 દરમિયાન પેન-એન્ડ-પેપર મોડમાં લેવાનારી એસએસસી (SSC), ઓપન સ્કૂલ સેકન્ડરી સર્ટિફિકેટ (OSSC) અને વોકેશનલ પરીક્ષાઓ માટે શિક્ષણ બોર્ડે તૈયારીઓ આરંભી દીધી છે. રેગ્યુલર તેમજ અગાઉ નાપાસ થયેલા ઉમેદવારો માટે જાહેર કરાયેલા આ કાર્યક્રમ મુજબ, શાળાઓ દ્વારા પરીક્ષા ફી ભરવાની પ્રક્રિયા આગામી 11 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શાળાઓની સગવડતા માટે બોર્ડે મોડવાર ફીની રકમ પણ નક્કી કરી છે, જેમાં તમામ અથવા ત્રણથી વધુ વિષયો માટે 125 રૂપિયા, ત્રણ કે તેથી ઓછા વિષયો માટે 110 રૂપિયા, વોકેશનલ ઉમેદવારો માટે વધારાના 60 રૂપિયા અને વયમર્યાદામાં છૂટછાટ ઈચ્છતા ઉમેદવારો માટે 300 રૂપિયા ફી રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બોર્ડે લેટ ફી વગર પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ 25 નવેમ્બર સુધીી નક્કી કરી છે. જો કોઈ શાળા આ મુદત ચૂકી જાય તો તેમને તબક્કાવાર લેટ ફી ચૂકવવી પડશે, જેમાં 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી 50 રૂપિયા, 3 થી 9 ડિસેમ્બર સુધી 200 રૂપિયા અને 10 થી 15 ડિસેમ્બર સુધી મહત્તમ 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. ફી ભરવાની આ સમગ્ર પ્રક્રિયા માત્ર અધિકૃત વેબસાઇટ bse.ap.gov.in દ્વારા જ કરવાની રહેશે. સી.એફ.એમ.એસ. (CFMS) કે બેંક ચલણ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી માન્ય ગણવામાં આવશે નહીં તેમજ કોઈપણ સંજોગોમાં આ સમયમયાદા લંબાવવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
પરીક્ષા ફી ભરવાની જવાબદારી સંબંધિત શાળાઓના મુખ્याધ્યાપકો (School Heads) પર રહેશે, જેમણે UDISE+ લોગિન દ્વારા વિદ્યાર્થીઓની વિગતો ચકાસીને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શાળાઓએ મેન્યુઅલ નોમિનલ રોલ્સ (MNRs) સંબંધિત અધિકારીઓ સમક્ષ સબમિટ કરવાની જરૂર નથી. વેબસાઇટ પર ભારે ટ્રાફિક અને પેમેન્ટમાં વિલંબ ટાળવા માટે શાળાઓને છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફી ભરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા ફોર્મ ભરવાથી વંચિત ન રહે.
