દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ દિવસેને દિવસે અત્યંત ગંભીર થતી જાય છે, જેના કારણે એઈમ્સ અને અપોલો હોસ્પિટલના વરિષ્ઠ તબીબોએ ભારે ચિંતા વ્યક્ત કરી છે. એઈમ્સના પલ્મોનરી મેડિસીન વિભાગના પ્રોફેસર ડૉ. વિજય હદ્દાના જણાવ્યા અનુસાર, ગ્રીન ક્રૅકર્સ માત્ર ૩૦ ટકા જ પ્રદૂષણ ઘટાડે છે જ્યારે ૭૦ ટકા ઝેરી વાયુઓ અને રજકણો હવામાં યથાવત રહે છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) હવે ત્રણ અંકથી વધીને ચાર અંક પર પહોંચી ગયો છે, જે માનવ અસ્તિત્વ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે. નાગરિકો સતત ઝેરી ધુમાડો શ્વાસમાં લઈ રહ્યા છે અને લાંબા સમય સુધી આ પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડી રહી છે.
આ સમસ્યા માત્ર શ્વાસ કે હૃદયના દર્દીઓ પૂરતી સીમિત નથી રહી, પરંતુ અગાઉથી સંપૂર્ણપણે સ્વસ્થ હોય તેવા યુવાનો અને સામાન્ય નાગરિકો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. અપોલો હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસીન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. એસ. ચેટર્જીએ જણાવ્યું કે ૨૦ થી ૫૦ વર્ષની વય જૂથના તંદુરસ્ત યુવાનો પણ ગળામાં બળતરા અને શ્વસન સંબંધી તકલીફો સાથે હોસ્પિટલ આવી રહ્યા છે. અત્યંત ખરાબ હવાના સંપર્કમાં આવ્યાના માત્ર ૪ થી ૬ કલાકની અંદર જ સ્વસ્થ વ્યક્તિઓમાં પણ લક્ષણો દેખાવા લાગે છે, જે આગામી દિવસોમાં આરોગ્ય તંત્ર માટે એક મોટો પડકાર બની રહેશે.
તબીબોએ આ કટોકટી સામે લોકોને સાવચેત રહેવાની સલાહ આપતા બિનજરૂરી બહાર જવાનું ટાળવા અને આઉટડોર કસરત ન કરવા જણાવ્યું છે. દર વર્ષે આ સમસ્યા સામે આવે છે પરંતુ નીતિઓના અમલીકરણમાં અસ્પષ્ટતા અને જનજાગૃતિના અભાવે સ્થિતિ જસાની તૈસી રહે છે. જો તાત્કાલિક ધોરણે અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો વધુ ભયાનક બનશે. આ સ્થિતિમાં નાગરિકોએ પોતાની જાતે કાળજી રાખીને પ્રદૂષિત વાતાવરણથી બચીને રહેવું અનિવાર્ય બની ગયું છે.
