JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ડ્રોન હુમલાઓ સામે રક્ષણ આપવા ભારત બનાવી રહ્યું છે અત્યાધુનિક લેસર હથિયાર, જાણો તેની ખાસિયતો

Nov 09, 2026 | 19:10 | By JAMNAGAR MIRROR
ડ્રોન હુમલાઓ સામે રક્ષણ આપવા ભારત બનાવી રહ્યું છે અત્યાધુનિક લેસર હથિયાર, જાણો તેની ખાસિયતો
આધુનિક યુદ્ધમાં ડ્રોન સામેની લડાઈ ખર્ચાળ બનતી જઈ રહી છે ત્યારે ભારત સરકાર સ્વદેશી ડાયરેક્ટેડ-એનર્જી વેપન (DEW) કાર્યક્રમ અંતર્ગત હાઇ-પાવર લેસર ટેકનોલોજી વિકસાવી રહી છે, જે નજીકના ભવિષ્યમાં સૈન્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

વર્તમાન સમયમાં યુદ્ધના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે કારણ કે માત્ર થોડા હજાર ડોલરની કિંમતવાળા ડ્રોન હવે દુશ્મન દેશો માટે એર ડિફેન્સ પોઝિશનને ખતમ કરવાનું સસ્તું હથિયાર બની ગયા છે. પરંપરાગત મિસાઈલ સિસ્ટમથી દરેક ડ્રોનનો મુકાબલો કરવો ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે અને તેમાં ડિફેન્ડર પાસે મિસાઈલો ખૂટી પડવાનું જોખમ રહે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે વિશ્વભરની સેનાઓ હવે હાઇ-પાવર લેસર હથિયારો તરફ આકર્ષાઈ રહી છે, જે પ્રકાશની ગતિથી ટાર્ગેટને નષ્ટ કરી શકે છે અને તેનો પ્રતિ શોટ ખર્ચ માત્ર થોડા ડોલર જેટલો જ આવે છે. ભારત પણ આ દિશામાં મોટું પગલું ભરીને પોતાની સ્વદેશી ડાયરેક્ટેડ-એનર્જી વેપન ટેકનોલોજીને ટેક્નોલોજી ડેમોસ્ટ્રેશનથી આગળ વધારીને હવે ઔદ્યોગિક ઉત્પાદન તરફ લઈ જઈ રહી છે.

ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) એ આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે વ્હીકલ-માઉન્ટેડ MK-II(A) લેસર DEW નું સફળ પરીક્ષણ પણ પૂર્ણ કર્યું છે. DRDO ની સેન્ટર ફોર હાઇ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સ (CHESS) દ્વારા વિકસિત આ ૩૦-કિલોવોટની સિસ્ટમ ૫ કિલોમીટર સુધીના અંતરે ડ્રોન સ્વાર્મ અને યુએવી (UAVs) ને તોડી પાડવામાં સક્ષમ છે. આ ઉપરાંત, ઓડિસાના તટ પર સંકલિત એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં મિસાઈલ સિસ્ટમ સાથે હાઇ-પાવર લેસરને જોડવામાં આવ્યું છે. આગામી સમયમાં અદાણી ડિફેન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL) અને લાર્સન એન્ડ ટુબ્રો જેવી અગ્રણી સંસ્થાઓ આના ઉત્પાદન અને વિકાસમાં સહયોગ આપી રહી છે.

જોકે, વાસ્તવિક યુદ્ધના મેદાનમાં લેસર હથિયારોનો ઉપયોગ કરવો એટલો સરળ નથી કારણ કે ધુમ્મસ, વરસાદ, ધૂળ અને વાદળો જેવા હવામાનકીય પરિબળો લેસર બીમની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે. લેસર હથિયારને કામ કરવા માટે સીધી દ્રષ્ટિ (લાઇન ઓફ સાઇટ) ની જરૂર પડે છે અને તેને ભારે પાવર તેમજ કૂલિંગ ઇક્વિપમેન્ટ્સની આવશ્યકતા રહે છે. તેમ છતાં, એરફિલ્ડ્સ, સૈન્ય બેઝ અને મહત્વપૂર્ણ મથકોની સુરક્ષા માટે આ ટેકનોલોજી ખૂબ જ કારગર સાબિત થશે. ભારત ઉપરાંત અમેરિકા, ઇઝરાઈલ, બ્રિટન અને ચીન જેવા દેશો પણ આ પ્રકારની ટેકનોલોજી વિકસાવી રહ્યા છે, જે ભવિષ્યના યુદ્ધોમાં એર ડિફેન્સની વ્યાખ્યા હંમેશ માટે બદલી નાખશે.

LATEST ARTICLES