વિશ્વની સૌથી મૂલ્યવાન ચિપ નિર્માતા કંપની એનવીડિયા (Nvidia) ના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જેન્સેન હુઆંગના અંગત સંબંધોને લઈને એક મોટો ખુલાસો થતાં ટેકનોલોજી જગતમાં હલચલ મચી ગઈ છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ, ચીની મૂળની વ્યવસાયિક એલિસ હુઆંગ સાથે જેન્સેન હુઆંગના ઘરો સંબંધો રહ્યા હતા અને એજન્સીઓને શંકા છે કે એલિસ ચીનની ગુપ્તચર સંસ્થા માટે જાસૂસી કરતી હતી. આ સમગ્ર મા સામે આવ્યા બાદ એનવીડિયાના બોર્ડ દ્વારા જેન્સેન હુઆંગના આ સંબંધો અને તેની પાછળના સંભવિત જોખમોની તપાસ કરવા માટે એક સ્વતંત્ર તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે અત્યાર સુધી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના રહસ્યો લીક થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર, એલિસ હુઆંગ (જે હુઆંગ લે તરીકે પણ ઓળખાય છે) સિંગાપોર સ્થિત મેગાસ્પીડ નામની ડેટા સેન્ટર કંપની સાથે જોડાયેલી હતી અને તે અમેરિકાના પ્રતિબંધો છતાં ચીનમાં અત્યાધુનિક એઆઈ ચિપ્સ પહોંચાડવાના કાવતરામાં સામેલ હોવાની શંકાના घेરામાં છે. તપાસમાં એ વાતની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ સંબંધોના માધ્યમથી એલિસ હુઆંગે એનવીડિયાની વ્યુહરચના અને અમેરિકી સરકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિઓ સંબંધિત મહત્વની માહિતી બેઇજિંગ સુધી પહોંચાડી હોઈ શકે છે. આ ગંભીર બાબતની જાણકારી તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓને પણ આપવામાં આવી હતી, ત્યારબાદ આ મામલો વાણિજ્ય વિભાગથી ન્યાય વિભાગ સુધી પહોંચ્યો હતો અને હવે તેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવ્યો છે.
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ જેન્સેન હુઆંગે પોતાના કર્મચારીઓને એક સંદેશ મોકલીને પત્ની અને પરિવાર પ્રત્યે પોતાની બેવફાઈ સ્વીકારી લીધી છે અને જાહેરમાં માફી માંગી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે એલિસ હુઆંગ સાથેના તેમના વ્યાવસાયિક સંબંધો મેગાસ્પીડ કંપનીના કામકાજ પૂરતા સીમિત અને સામાન્ય હતા, અને તેમને કોઈ પણ પ્રકારની જાસૂસી પ્રવૃત્તિની જાણ નહોતી. તેમ છતાં, વૈશ્વિક સ્તરે એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા અને ટેકનોલોજીના વેપાર પરના કડક નિયંત્રણો વચ્ચે એનવીડિયાના સીઈઓનું આ વિવાદમાં સપડાવું કંપની માટે મોટો પડકાર બની ગયું છે, જેના કારણે આગામી સમયમાં વૈશ્વિક ટેક માર્કેટ પર ઊંડી અસર પડી શકે છે.
