JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

દેશમાં કુદરતી ગેસનું ઉત્પાદન વધારવા ONGC, રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમ સંયુક્ત રીતે કરશે મોટું રોકાણ

Nov 09, 2026 | 16:15 | By JAMNAGAR MIRROR
દેશમાં કુદરતી ગેસનું ઉત્પાદન વધારવા ONGC, રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમ સંયુક્ત રીતે કરશે મોટું રોકાણ
વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ONGC, રિલાયન્સ અને બ્રિટિશ પેટ્રોલિયમ દ્વારા રૂ. 8,400 કરોડના ખર્ચે સંયુક્ત શેરર્ડ ગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી ઊંડા સમુદ્રમાંથી કુદરતી ગેસ કાઢવાનું કાર્ય વધુ સરળ અને આર્થિક બનશે.

વિદેશી આયાત પરની દેશની નિર્ભરતાને મોટા પ્રમાણમાં ઘટાડવા માટે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની આગેવાની હેઠળ એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. દેશની અગ્રણી ઊર્જા કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બ્રિટિશ પેટ્રોલિયમ સંયુક્ત રીતે એક સામાન્ય ઓફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે શેર્ડ ગેસ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 1 બિલિયન ડોલર એટલે કે લગભગ 8,400 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. હાલમાં આ દરખાસ્ત તેના પ્રારંભિક તબક્કામાં છે અને આ બાબતથી જોડાયેલા ઉદ્યોગ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની વ્યાપારી અને તકનીકી શક્યતાઓનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં જ ખાસ તકનીકી સલાહકારોની નિમણૂક કરવામાં આવશે.

આ અનોખી ભાગીદારીનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેનાથી કંપનીઓની કાર્યકારી કાર્યક્ષમતામાં ધરખમ સુધારો થશે અને મૂડી ખર્ચમાં ભારે ઘટાડો જોવા મળશે. અત્યાર સુધીના પ્રચલિત નિયમો અનુસાર દરેક કંપનીએ અબજો રૂપિયાના તોતિંગ ખર્ચે પોતપોતાના અલગ સંશોધન પ્લાન્ટ સ્થાપવા પડતા હતા, પરંતુ આ નવા મોડેલ હેઠળ ત્રણેય કંપનીઓ અલગથી રોકાણ કરવાને બદલે એક જ સામાન્ય હબનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, સમુદ્રમાં સર્વેક્ષણ દરમિયાન ઘણા નાના ગેસના ભંડારો મળતા હોય છે જેને ઊંચા પ્રારંભિક ખર્ચના કારણે અગાઉ વ્યાપારી દૃષ્ટિએ અવ્યવહારુ માનીને છોડી દેવામાં આવતા હતા. હવે આ સંયુક્ત પ્લાન્ટની મદદથી આવા નાના અને અટવાયેલા ગેસ કુવાઓમાંથી પણ અત્યંત કાર્યક્ષમ રીતે ગેસ એકત્રિત કરીને બહાર કાઢી શકાશે, જેને આંતરરાષ્ટ્રીય ઉત્તર સમુદ્ર મોડેલ પર આધારિત બનાવવામાં આવશે.

આ આધુનિક પ્રોજેક્ટને પૂર્ણ થવામાં આગામી સમયમાં આશરે 3 થી 4 વર્ષ જેટલો સમય લાગી શકે છે અને હાલમાં કંપનીઓ તેના માળખાકીય સ્વરૂપ અંગે ગંભીરતાથી ચર્ચા કરી રહી છે. આ માટે બે મુખ્ય વિકલ્પો સામે આવ્યા છે, જેમાં પ્રથમ વિકલ્પ "ફ્લોટિંગ પ્રોડક્શન, સ્ટોરેજ અને ઓફલોડિંગ" (FPSO) ટેકનોલોજીનો છે, જે સમુદ્રમાં તરતો એક વિશાળ જહાજ જેવો પ્લાન્ટ છે જેને ફેક્ટરીમાં પ્રી-ફેબ્રિકેટ કરીને સીધો જ સ્થળ પર ગોઠવી શકાય છે અને તેનાથી સમયની મોટી બચત થાય છે. બીજો વિકલ્પ કોંક્રિટ અને સ્ટીલની મદદથી પાણીની અંદર કાયમી ધોરણે નિશ્ચિત માળખું તૈયાર કરવાનો છે. આ પ્રોજેક્ટમાં ઉત્તર સમુદ્ર મોડેલ મુજબ ભવિષ્યમાં જો અન્ય કોઈ ચોથી કંપનીને પણ આ વિસ્તારમાંથી ગેસ પ્રાપ્ત થાય, તો તે આ મુખ્ય વિકાસકર્તાઓને નિશ્ચિત ભાડું કે ટોલ ચૂકવીને આ જ પ્લાન્ટ દ્વારા પોતાનો ગેસ સરળતાથી સપ્લાય કરી શકશે.

LATEST ARTICLES