દેશમાં નોકરીની શોધ કરી રહેલા યુવા વર્ગને સાવધ કરવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક કડક ચેતવણી જારી કરવામાં આવી છે. મંત્રાલયના ધ્યાને આવ્યું છે કે કેટલાક ઠગો અને બનાવટી વેબસાઇટ્સ 'નેશનલ કરિયર સર્વિસ' (NCS) ના અધિકારીઓ અથવા મંત્રાલય સાથે જોડાયેલા હોવાનો દાવો કરીને બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ નોકરી અપાવવાના નામે રજીસ્ટ્રેશન ફી, ઇન્ટરવ્યુ પ્રોસેસિંગ ચાર્જ કે જોબ ઓફર લેટર આપવાના બહાને ઉમેદવારો પાસેથી નાણાં પડાવી રહ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે NCS પોર્ટલ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેના માટે કોઈ પણ તબક્કે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.
આ છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) અને સત્તાવાર સૂચનાઓ દ્વારા ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ એવા વ્યક્તિ, એજન્સી કે એમ્પ્લોયરના સંપાદનમાં ન આવે જે રોજગારી પૂરી પાડવાના બદલામાં નાણાંની માંગણી કરતા હોય. NCS પોર્ટલ ક્યારેય પણ રોજગાર પ્રક્રિયાના કોઈપણ સ્ટેજ પર ઉમેદવારો પાસેથી શુલ્ક વસૂલતું નથી. આમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાથી લઈને નોકરી માટે અરજી કરવી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા સુધીની તમામ સેવાઓનો સમાવેશ થાય છે. મંત્રાલયે ઉમેદવારોને સ્પષ્ટ સલાહ આપી છે કે તેઓ કોઈપણ મધ્યસ્થી કે એમ્પ્લોયરને નોકરી મેળવવા માટે નાણાં ન ચૂકવે, કારણ કે NCS આવી કોઈપણ પદ્ધતિને સમર્થન કે પ્રોત્સાહન આપતું નથી.
કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે જોબસીકર્સે હંમેશાં સત્તાવાર વેબસાઇટ (http://www.ncs.gov.in) ની જ મુલાકાત લેવી જોઈએ અને કોઈપણ વ્યક્તિગત માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસી લેવી જરૂરી છે. જો કોઈ ઉમેદવારને શંકાસ્પદ કોલ, ઈમેઈલ કે જોબ ઓફર મળે અથવા તેઓ આવી કોઈ છેતરપિંડીનો ભોગ બને, તો તેઓ તાત્કાલિક મદદ મેળવી શકે છે. મંત્રાલયે આ માટે ખાસ હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે, જેમાં NCS ની સહાય માટે '૧૫૧૪' (1514) અને સાયબર ફ્રોડની રજૂઆત માટે '૧૯૩૦' (1930) નંબરનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, સત્તાવાર ઈમેઈલ આઈડી support.ncs@gov.in પર પણ સંપર્ક સાધી શકાય છે. શ્રમ મંત્રાલયે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નકલી જોબ ઓફર્સ અને છેતરપિંડી કરનારાઓથી સતર્ક રહે.
