વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે, જ્યાં મિડલ ઇસ્ટના ઓઇલ ઉત્પાદકો ખરીદદારોને આકર્ષવા માટે કિંમતોમાં ભારે કાપ મૂકી રહ્યા છે. હોરમુઝ સ્ટ્રેટમાંથી ઓઇલના પ્રવાહમાં તીવ્ર પુનરાગમનને કારણે વૈશ્વિક બજાર ઓવરસપ્લાય એટલે કે જરૂરિયાત કરતા વધુ પુરવઠા તરફ ધકેલાઈ રહી છે. તાજેતરમાં વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં સાપ્તાહિક ધોરણે લગભગ ૧૭ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને આશરે ૯૭ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે. ૨૦૨૦ની મહામારી પછીનો આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. અમેરિકી મિડ-ટર્મ ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા વોશિંગ્ટન દ્વારા મિડલ ઇસ્ટના યુદ્ધને ઝડપથી ઘટાડવાની અપેક્ષાઓ વધી છે, જેનાથી ભવિષ્યના ઊર્જા બજારનું ચિત્ર બદલાઈ રહ્યું છે.
આક્રમક સ્પર્ધા પાછળનું મુખ્ય કારણ હોરમુઝ સ્ટ્રેટમાંથી ઓઇલ નિકાસનું ઝડપી પુનરાગમન અને વૈશ્વિક સ્તરે ઉત્પાદનમાં થયેલો વધારો છે. સપ્ટેમ્બરથી યુએસ નેવીના સુરક્ષા કાફલા હેઠળ ટેન્કરોની અવરજવર શરૂ થતાં ઓક્ટોબરમાં હોરમુઝ દ્વારા ક્રૂડની નિકાસ વધીને દૈનિક ૧૦.૩ મિલિયન બેરલ થઈ ગઈ છે, જે યુદ્ધના પ્રથમ મહિનામાં લગભગ શૂન્ય હતી. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને યુએઈના વૈકલ્પિક માર્ગોને જોડતા પ્રાદેશિક નિકાસ વધીને દૈનિક ૧૬.૬ મિલિયન બેરલ સુધી પહોંચી ગઈ છે, જે યુદ્ધ પહેલાના ૧૭ મિલિયન બેરલની સરેરાશની ખૂબ નજીક છે. બીજી તરફ અમેરિકા, બ્રાઝિલ અને કેનેડા જેવા બિન-મિડલ ઇસ્ટ દેશોએ પણ ઉત્પાદન વધાર્યું છે, જેના કારણે વૈશ્વિક ક્રૂડ ઉત્પાદન ઓક્ટોબરમાં વધીને ૮૫ મિલિયન બેરલ પ્રતિદિન થઈ ગયું છે.
સપ્લાય વધવા સામે વૈશ્વિક સ્તરે રિફાઇનિંગ ક્ષમતા ઘટી છે અને ઊંચી કિંમતોને કારણે માંગ પણ મર્યાદિત રહી છે. જટિલ સુરક્ષા સ્થિતિને કારણે શિપિંગ ખર્ચમાં મોટો વધારો થયો છે અને ઓઇલ સંગ્રહિત કરવું પણ આર્થિક રીતે પોસાય તેમ નથી. આ પરિસ્થિતિના કારણે ઉત્પાદકો પાસે ખરીદદારોને આકર્ષવા માટે કિંમતો ઘટાડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સાઉદી અરેબિયાએ એશિયન ગ્રાહકો માટે તેના પ્રીમિયમ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે, જ્યારે ઓમાનના બેન્ચમાર્ક પ્રીમિયમમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. જોકે, જો માંગમાં અચાનક સુધારો થાય અથવા રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ફરી શરૂ થાય તો આ ચિત્ર બદલાઈ શકે છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં ભવિષ્યનું ઓઇલ બજાર અત્યંત સ્પર્ધાત્મક અને સરપ્લસ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
