કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) આગામી સમયમાં ધોરણ ૧૦ (ICSE) અને ધોરણ ૧૨ (ISC) ની વર્ષ ૨૦૨૭ની બોર્ડ પરીક્ષાઓનું સત્તાવાર સમયપત્રક પોતાની અધિકૃત વેબસાઇટ cisce.org પર જાહેર કરવા જઈ રહી છે. બોર્ડનું ટાઈમટેબલ જાહેર થવાથી ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું આયોજન વધુ વ્યવસ્થિત રીતે કરી શકશે. પરીક્ષાની તારીખો અને બે વિષયો વચ્ચેના ગેપને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પોતાની રિવિઝન રણનીતિ તૈયાર કરી શકે છે, જેથી તેઓ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરી શકે. ગત વર્ષે કાઉન્સિલ દ્વારા ૧૩ નવેમ્બરના રોજ ૧૦મા અને ૧૨મા ધોરણનું ટાઈમટેબલ પ્રકાશિત કરવામાં આવ્યું હતું, અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી આ સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે બોર્ડ દ્વારા પરીક્ષાનું સમયપત્રક ડાઉનલોડ કરવાની સરળ પ્રક્રિયા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ cisce.org ની મુલાકાત લેવાની રહેશે, ત્યારબાદ હોમ પેજ પર આપેલા 'Examination' સેક્શનમાં જઈને ICSE ૨૦૨૭ અથવા ISC ૨૦૨૭ ના ટાઈમટેબલની લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ લિંક ખુલ્યા બાદ સત્તાવાર પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકાશે, જેમાં વિદ્યાર્થીઓ વિષયવાર તારીખો, પરીક્ષાના સમય અને મહત્વની સૂચનાઓ ચકાસી શકે છે. આ ટાઈમટેબલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસો, વિષયોની યાદી અને પરીક્ષા ખંડ માટેની માર્ગદર્શિકા વિશેની તમામ સચોટ માહિતી મળી રહેશે.
આ ઉપરાંત, CISCE બોર્ડે ISC ના મોર્ડન ઇંગ્લિશ (ભાષા) ના પ્રશ્નપત્રના ફોર્મેટ અંગે પણ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. સત્તાવાર પરિપત્ર મુજબ, ઇંગ્લિશ પેપર ૧ (લેંગ્વેજ) અને મોર્ડન ઇંગ્લિશ (લેંગ્વેજ) માટે એક જ સામાન્ય પ્રશ્નપત્ર રહેશે કારણ કે બંને વિષયો માટેનો અભ્યાસક્રમ સમાન છે. આથી, અંગ્રેજી (૮૦૧) અને મોર્ડન ઇંગ્લિશ (૮૯૧) બંને માટે પેપર ૧ નું પ્રશ્નપત્ર સમાન જ રહેશે. બોર્ડે એમ પણ જણાવ્યું છે કે આ બંને પેપર માટે પરીક્ષાની તારીખ પણ એક જ સરખી રહેશે, જેથી વિદ્યાર્થીઓએ નિર્ધારિત તારીખ અને સમયે જ પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ 'રેગ્યુલેશન્સ એન્ડ સિલેબસ ફોર ISC યર ૨૦૨૭ એક્ઝામિનેશન' માં દર્શાવેલ અભ્યાસક્રમનું ચુસ્તપણે પાલન કરે.
