અમેરિકી રાજકારણમાં હાલ ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હેગસેથ સામે વધી રહેલા મહાભિયોગના પ્રસ્તાવ સામે મજબૂત બચાવ કરતા સવાલ ઉઠાવ્યો છે કે ઈરાન વિરુદ્ધ સફળ સૈન્ય અભિયાન પાર પાડનાર અધિકારીને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? ટ્રમ્પના મતે, અમેરિકી હુમલાઓએ ઈરાનના પરમાણુ માળખાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દીધું છે અને તેહરાનને પરમાણુ હથિયાર વિકસાવતા અટકાવ્યું છે. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સૈન્ય કાર્યવાહીના કારણે જ ઇઝરાયેલ અને સમગ્ર મધ્ય પૂર્વના દેશો સુરક્ષિત રહી શક્યા છે.
બીજી બાજુ, ડેમોક્રેટિક પાર્ટીના નેતા હકીમ જેફ્રિસે રિપબ્લિકન સાંસદ થોમસ મેસી દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. જેફ્રિસે આરોપ લગાવ્યો છે કે સંરક્ષણ મંત્રીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી છે અને આર્થિક રીતે મોંઘું સાબિત થયેલું ઈરાન યુદ્ધ જાણી જોઈને શરૂ કર્યું છે. તેમના મતે આ લડાઈના કારણે અમેરિકી નાગરિકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે અને દેશ વધુ અસુરક્ષિત બન્યો છે. આગામી સમયમાં કોંગ્રેસનું સત્ર શરૂ થતાં જ આ પ્રસ્તાવ પર રાજકીય ગરમાવો વધવાના પૂરા એંધાણ છે.
આ સમગ્ર રાજકીય વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પોતાના ઉપર લાગેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે આ મહાભિયોગની પહેલને પોતાની છબી ખરાબ કરવા અને પદ પરથી હટાવવા માટેનું એક રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ માત્ર અંગત બદઈરાદાથી પ્રેરાયેલી રાજનીતિ છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે પણ કામ નહોતી આવી અને તેમની સામે પણ સફળ નહીં થાય. સપ્ટેમ્બરમાં રજૂ થયેલા આ પ્રસ્તાવ પર મિડટર્મ ચૂંટણી બાદ હવે ફરીથી સંસદમાં ચર્ચા થવાની સંભાવના છે, જે આગામી સમયમાં અમેરિકી સત્તા સમીકરણો પર મોટી અસર કરી શકે છે.
