દિવાળીના ઉત્સાહ અને રોશનીના પર્વ બાદ દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણે ચિંતાજનક વળાંક લીધો છે. તહેવાર દરમિયાન થયેલી ભારે આતશબાજીને પરિણામે દિલ્હીની હવાની ગુણવત્તા એટલી હદે બગડી ગઈ છે કે તે હવે શ્વાસ લેવા લાયક પણ રહી નથી. અર્થ સાયન્સિસ મંત્રાલય (EWS) અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજા અહેવાલ અનુસાર, સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 373 નોંધાયો હતો, જે 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં આવે છે. આ સ્થિતિને કારણે શહેરમાં વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ ગઈ છે અને નાગરિકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI સીધો 400ની ખતરનાક સપાટીને પાર કરી ગયો છે. વિવેક વિહારમાં AQI 442, આઈટીઓ (ITO) ખાતે 407 અને એનએસઆઈટી દ્વારકામાં 404 જેટલો ઊંચો નોંધાયો છે, જે 'ગંભીર' શ્રેણી દર્શાવે છે. આ ઉપરાંત વઝીપુર, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, ઓખલા અને પૂરમ જેવા વિસ્તારોમાં પણ પ્રદૂષણનો આંક 360થી 398ની વચ્ચે રહ્યો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ એનસીઆરના પડોશી શહેરો જેવા કે ગાઝિયાબાદમાં AQI 360, નોઈડામાં 319, ફરીદાબાદમાં 297 અને ગુરુગ્રામમાં 280 નોંધાતા સમગ્ર ઉત્તર ભારતમાં પ્રદૂષણનું મોજું ફરી વળ્યું છે.
દિલ્હીમાં પ્રદૂષણની આ સમસ્યા માત્ર દિવાળી પૂરતી સીમિત નથી, પરંતુ તે અહીંની કાયમી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન, પંજાબ-હરિયાણામાં પાક અવશેષો (पराली) સળગાવાની ઘટનાઓ અને હવે તહેવારોની મોસમમાં ફટાકડાના ધુમાડાએ પર્યાવરણને ન પુરી શકાય તેવું નુકસાન પહોંચાડ્યું છે. નિષ્ણાતોના મતે, AQI જ્યારે 401થી 500 વચ્ચે પહોંચે છે ત્યારે તે સ્વસ્થ માણસને પણ ગંભીર બીમારીમાં સપારી શકે છે. તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા અને લાંબાગાળાની રણનીતિ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે.
