ચીનની મેનમ્ડ સ્પેસ એજન્સી (CMSA) ની જાહેરાત મુજબ, આગામી 'શેન્ઝોઉ-૨૪' (Shenzhou-24) મિશન અંતર્ગત ચીનના તિયાંગોંગ અંતરિક્ષ સ્ટેશન પર જનાર પ્રથમ વિદેશી નાગરિક પાકિસ્તાની હશે. આ માટે પાકિસ્તાનના બે ઉમેદવારો મુહમ્મદ જીશાન અલી અને ખુર્રમ દાઉદ ચીનમાં લાંબા સમયથી સઘન તાલીમ લઈ રહ્યા છે, જેમાંથી એક મુખ્ય અવકાશયાત્રી તરીકે ઉડાન ભરશે અને બીજો બેકઅપ તરીકે રહેશે. ફેબ્રુઆરી ૨૦૨૫ માં થયેલા કરાર હેઠળ આ મિશન પાર પડી રહ્યું છે, જેમાં પ્લેલોડ સ્પેશિયાલિસ્ટ તરીકે પાકિસ્તાની અવકાશયાત્રી ટૂંકા રોકાણ બાદ શેન્ઝોઉ-૨૩ યાન દ્વારા ધરતી પર પાછા ફરશે. ચીનના માનવયુક્ત અંતરિક્ષ કાર્યક્રમના ઇતિહાસમાં આ પ્રથમ સંયુક્ત માનવયુક્ત ઉડાન હશે.
અંતરિક્ષ ક્ષેત્રે આ ઘટના ચીન અને પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યાં એક તરફ આ મિશન દ્વારા પાકિસ્તાન સત્તાવાર રીતે માનવયુક્ત અંતરિક્ષ ઉડાનમાં પ્રવેશ કરી રહ્યું છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) ની નિવૃત્તિ નજીક આવી રહી છે ત્યારે ચીન પોતાના 'તિયાંગોંગ' સ્ટેશનને વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવા માંગે છે. ચીને વર્ષ ૨૦૨૨ માં પોતાનું અંતરિક્ષ સ્ટેશન પૂર્ણ કર્યું હતું અને હવે તે આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા પોતાની પહોંચ વિસ્તારવા સક્રિય છે. આ મિશન માત્ર રોકેટ કે સ્ટેશન બનાવવા પૂરતું સીમિત નથી, પરંતુ તે ભવિષ્યના અંતરિક્ષ સંશોધનો માટે સહયોગીઓને આકર્ષવાની અને વૈશ્વિક પ્રભાવ વધારવાની વૈજ્ઞાનિક રમત છે.
આ વિકાસક્રમ ભારત માટે પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતે 'ગગનયાન' મિશન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS) અને સ્વદેશી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે પડોશી દેશની આ ઉપલબ્ધિ ભારત સમક્ષ નવી ભૌગોલિક અને રાજકીય ચર્ચાઓ ઊભી કરે છે. આગામી સમયની અવકાશ સ્પર્ધા માત્ર ટેકનોલોજી કે રોકેટ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને મજબૂત જોડાણો પર નિર્ભર રહેશે. ભારતે પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખીને વૈશ્વિક મંચ પર પોતાના પ્રભાવને મજબૂત કરવો પડશે જેથી ભવિષ્યના અવકાશ યુગમાં દેશનું સ્થાન સર્વોપરી રહી શકે.
