JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો, વડાપ્રધાન મોદીએ નિવાસ્થાને પહોંચી પાઠવ્યા જન્મદિનની શુભકાક્ષાઓ

Nov 08, 2026 | 23:10 | By JAMNAGAR MIRROR
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો, વડાપ્રધાન મોદીએ નિવાસ્થાને પહોંચી પાઠવ્યા જન્મદિનની શુભકાક્ષાઓ
ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક અને પૂર્વ ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજી પોતાના જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસ્થાને રૂબરૂ મુલાકાત લઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશ પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું હતું.

દેશના રાજકારણમાં અનોખું પ્રદાન કરનાર અને ભારતીય જનતા પાર્ટીના સ્તંભ સમાન લાલકૃષ્ણ અડવાણીના જન્મદિન નિમિત્તે નવી દિલ્હી ખાતે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ૮ નવેમ્બર, ૧૯૨૭ના રોજ કરાચીમાં જન્મેલા અને ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા અડવાણીજીના ૧૦૦મા વર્ષમાં પ્રવેશવાના ઐતિહાસિક અવસરે ભાજપના રાષ્ટ્રીય મુકામ પર એક વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન સહિતના અનેક વરિષ્ઠ નેતાઓએ આ ધાર્મિક અનુષ્ઠાનમાં ઉપસ્થિત રહીને તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી, સાથે જ સંગઠનના વિસ્તારમાં તેમના અતૂટ પ્રદાનને યાદ કર્યું હતું.

આ વિશેષ દિવસને વધુ અર્થસભર બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક વિસ્તૃત લેખ શેર કર્યો હતો. આ લેખમાં તેમણે અડવાણીજીના પ્રેરણાદાયી જીવન પ્રવાસને વાગોળ્યો હતો, જેમાં દેશના ભાગલાની વિભીષિકાનો સામનો કરીને નવેસરથી જીવન શરૂ કરવાથી લઈને જનસંઘ અને ભાજપના પાયા મજબૂત કરવા સુધીની સફરનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાને કટોકટી દરમિયાન લોકશાહીની રક્ષા માટે તેમણે કરેલા સંઘર્ષ, ઐતિહાસિક સોમનાથથી અયોધ્યા રથયાત્રા તેમજ સરકારમાં રહીને રાષ્ટ્રસેવા કરવાના તેમના અદભુત નેતૃત્વને બિરદાવ્યું હતું.

ભારતીય રાજનીતિમાં અડવાણીજીના અવિસ્મરણીય પ્રદાનને માન આપતા વર્ષ ૨૦૨४માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા છે. ૧૯૮૬થી ૨૦૦૫ દરમિયાન ત્રણ ટર્મ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહીને પાર્ટીને દેશવ્યાપી બનાવવામાં તેમનું યોગદાન સીમાચિહ્નરૂપ રહ્યું છે. રાજકીય ક્ષેત્ર ઉપરાંત પુસ્તકોના શોખીન, સંસ્કૃતિ અને સિનેમાના રસીયા તેમજ એક ઉત્તમ લેખક તરીકે અડવાણીજીનું વ્યક્તિત્વ હંમેશાં પક્ષના કાર્યકરો અને યુવા પેઢી માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન બની રહ્યું છે.

LATEST ARTICLES