બોલિવૂડ જગતની અત્યંત ચર્ચિત અને ભવ્ય ફિલ્મ 'રામાયણ'ને લઈને સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે નિર્માતાઓની ચિંતા પણ સતત વધી રહી છે. રણબીર કપૂર અને સાઉથના સુપરસ્ટાર યશ અભિનીત આ ફિલ્મના રિલીઝ પહેલાં અને થિયેટર પ્રદર્શન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા સિનેમાઘરોની અંદરથી મોબાઈલ વડે ફિલ્મના દ્રશ્યો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના પાયરસી અને લીકેજ પ્રત્યે ગંભીર નોંધ લેતા મેકર્સે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર કાનૂની નોટિસ જારી કરી છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે વગર મંજૂરીએ ફિલ્મના સીન રેકોર્ડ કે શેર કરનારાઓ સામે જરાય દયા દાખવવામાં આવશે નહીં.
આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટે પણ ગત ૨ નવેમ્બર અને ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ કડક આદેશો જારી કર્યા છે. કોર્ટના આ આદેશ અનુસાર કોઈપણ વ્યક્તિ માટે ફિલ્મ અથવા તેના કોઈપણ હિસ્સાનું અનધિકૃત રેકોર્ડિંગ કરવું, તેને સોશિયલ મીડિયા કે મેસેજિંગ પ્લેટફોર્મ પર અપલોડ કે શેર કરવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવું કરવું એ માત્ર સીધું કોપીરાઈટનું ઉલ્લંઘન નથી, પરંતુ કોપીરાઈટ એક્ટ ૧૯૫૭, સિનેમેટોગ્રાફ એક્ટ ૧૯૫૨, બીએનએસ ૨૦૨૩ અને આઈટી એક્ટ ૨۰۰૦ હેઠળ સજા અને દંડને પાત્ર એક મોટો અપરાધિક ગુનો તેમજ અદાલતની અવમાનના પણ છે.
મેકર્સે દર્શકો અને સોશિયલ મીડિયા યૂઝર્સને તાકીદ કરી છે કે જે કોઈએ પણ ભૂલથી કે જાણી જોઈને 'રામાયણ' ફિલ્મ સાથે જોડાયેલું કોઈપણ કન્ટેન્ટ ઓનલાઈન પોસ્ટ કર્યું હોય, તેઓ તેને તુરંત જ ડિલીટ કરી દે. જો કોઈ આ ચેતવણીને અવગણશે તો સબંધિત પ્લેટફોર્મ અને અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવીને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર સીધી જ કાનૂની, સિવિલ અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફિલ્મની પવિત્રતા અને તેની બિઝનેસ સિક્યુરિટી જાળવી રાખવા માટે મેકર્સ હવે આ કડક હાથે પાયરસી ડામવા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યા છે.
