દેશના સૌથી ગતિશીલ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં હવાની ગુણવત્તા (AQI) ચિંતાજનક રીતે બગડી રહી છે, ત્યારે નાગરિકોને પોતાના વિસ્તારના પ્રદૂષણ સ્તરથી માહિતગાર કરવા માટેનો મહત્વનો પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને અમદાવાદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વર્ષ 2017માં 'સફર' (SAFAR) પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના આઠ જેટલા ગીચ અને વ્યસ્ત વિસ્તારોમાં પ્રદૂષણ માપવા માટેના અત્યાધુનિક એલઇડી ડિસ્પ્લે બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે માત્ર ત્રણથી ચાર વર્ષ સરખી રીતે કામ કર્યા બાદ, વર્ષ 2021થી આ તમામ ડિસ્પ્લે કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને આજદિન સુધી તે પૂર્વવત થઈ શક્યા નથી.
સરકારી તિજોરીમાંથી જનતાના ટેક્સના પૈસાનો કેવી રીતે વેડફાટ થાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે માત્ર એક જ ડિસ્પ્લે સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રકારે આઠ અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા ડિસ્પ્લે અને સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે એક કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચવામાં આવી હોવાનું અનુમાન છે. પરંતુ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને પર્યાવરણ વિભાગની ઉદાસીનતાને કારણે આ પ્રોજેક્ટનું વાર્ષિક મેન્ટેનન્સ કે સોફ્ટવેર અપડેટ કરવાનું પણ યોગ્ય માનવામાં આવ્યું નહીં. પરિણામે, લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ડિજિટલ બોર્ડ્સ આજે કાટ ખાઈ રહ્યા છે અને તેના પર પક્ષીઓની અઘાર તથા ધૂળના થરો જામી ગયા છે.
આ ડિસ્પ્લે બંધ રહેવાને કારણે સીધી અસર સામાન્ય નાગરિકો અને સ્વાસ્થ્ય સંવેદનશીલ વર્ગ પર પડી રહી છે. મોર્નિંગ વોક કરવા નીકળતા લોકો, અસ્થમા અને શ્વાસના દર્દીઓ તેમજ સિનિયર સિટીઝન્સ પોતાના વિસ્તારમાં હવામાં પીએમ 2.5 કે પીએમ 10 જેવા ઝેરી તત્વોનું પ્રમાણ કેટલું જોખમી છે તે જાણી શકતા નથી. તંત્ર દ્વારા ન તો આ બંધ પડેલા બોર્ડ્સનું રિપેરિંગ કરાવવામાં આવે છે કે ન તો તેને હટાવવાની કોઈ તસ્દી લેવાતી નથી. પ્રજાના નાણાંનો આડેધડ બગાડ થવાથી પર્યાવરણપ્રેમીઓ અને શહેરીજનોમાં મનપાના વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
