ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ અને દાનના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કોંગ્રેસ પાર્ટીને ૨૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમની કેટેગરીમાં કુલ ૧૩૦.૭ કરોડ રૂપિયાનું ફંડ પ્રાપ્ત થયું છે. આ આંકડો ગત નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૫૧૭.૪ કરોડ રૂપિયાના કુલ દાનની સરખામણીએ માંડ એક ચોથા ભાગનો એટલે કે ૭૫ ટકા જેટલો મોટો ઘટાડો દર્શાવે છે. આ અચાનક આવેલી નાણાકીય નબળાઈને કારણે પક્ષના ભંડોળ સામે મોટા સવાલો ખડા થયા છે.
આ ઘટાડા પાછળનું એક મુખ્ય કારણ એ પણ છે કે ૨૦૨૪-૨૫નું વર્ષ સામાન્ય ચૂંટણીનું વર્ષ હોવાથી તે દરમિયાન દાનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, રસપ્રદ બાબત એ છે કે ૨૦૨૫-૨૬માં મળેલું આ ફંડ સામાન્ય ચૂંટણી વગરના વર્ષ ૨૦૨૩-૨૬ની સરખામણીએ પણ લગભગ ૫૩ ટકા ઓછું છે. જો કે, આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી અને આગામી ચૂંટણીઓની તૈયારીઓ હોવા છતાં કોર્પોરેટ અને મોટા દાનવીરો તરફથી મળતી રકમમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે માત્ર ૨૫ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું, જે ગત વર્ષના મુકાબલે ઘણું ઓછું છે.
પક્ષના દાનના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે ભંડોળનો મોટો હિસ્સો મર્યાદિત મોટા દાનવીરો પર નિર્ભર છે. સ્ટાર સિમેન્ટ, સજ્જન ભજંકા અને અફનાન કન્સ્ટ્રક્શન્સ જેવા ગણતરીના મોટા દાનવીરો અને ટ્રસ્ટો તરફથી મળેલા મોટા ફંડ્સ પક્ષની આવકનો મુખ્ય આધાર રહ્યા છે. માત્ર નવ જેટલા મોટા દાતાઓએ મળીને ૪૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, જે કુલ રકમનો ત્રીજો ભાગ છે. જ્યારે બીજી તરફ, નાના પાયે મળેલા ૧,૩૨૧ જેટલા દાનો માત્ર ૩૭.૨ કરોડ રૂપિયા જ યોગદાન આપી શક્યા હતા, જે દર્શાવે છે કે પક્ષની નાણાકીય સ્થિતિ મોટા કોર્પોરેટ અને ટ્રસ્ટોના દાન પર વધુ કેન્દ્રિત છે.
