દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ગણાતી કોંગ્રેસ સામે હાલ રાજકીય પડકારોની સાથે-સાથે ગંભીર આર્થિક સંકટ પણ ઊભું થયું છે. ચૂંટણી પરિણામોમાં ધાર્યો વિજય ન મળવાને કારણે કોર્પોરેટ જગત અને મોટા દાતાઓએ પાર્ટીથી અંતર જાળવી લીધું છે, જેની સીધી અસર પાર્ટીને મળતા ડોનેશન પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા તાજેતરના વાર્ષિક ફંડ રિપોર્ટે કોંગ્રેસની આર્થિક મુશ્કેલીઓનો પર્દાફાશ કર્યો છે, જે પાર્ટીના આગામી દિવસોના સંચાલન પર સવાલો ઊભા કરે છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કોંગ્રેસને આશરે રૂ. ૫૧૭.૪ કરોડનું જંગી ફંડ પ્રાપ્ત થયું હતું, જે ઘટીને વર્ષ ૨૦૨૫-૨૬માં માત્ર રૂ. ૧૩૦.૭ કરોડ પર પહોંચી ગયું છે. આમ, વાર્ષિક ફંડિંગમાં સીધો ૭૫ ટકાનો કડાકો બોલાયો છે. અગાઉ ‘પ્રૂડન્ટ ઇલેક્ટ્રલ ટ્રસ્ટ’ જેવા મોટા ટ્રસ્ટો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવતું હતું, પરંતુ હવે મોટા કોર્પોરેટ ગૃહો અને ટ્રસ્ટોએ ફંડિંગમાં ભારે કાપ મૂક્યો છે. અગાઉ લોકસભા ચૂંટણીના કારણે ફંડ મળવું સ્વાભાવિક હતું, પરંતુ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦,૦૦૦થી વધુના ડોનેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બિહાર સહિતના અનેક મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હોવા છતાં, કોંગ્રેસને અપેક્ષિત નાણાકીય સહયોગ સાંપડ્યો નથી. પાર્ટી મોટાભાગે મર્યાદિત કોર્પોરેટ દાતાઓ અને ગણતરીની કંપનીઓ પર જ નિર્ભર રહી છે. પક્ષના સંચાલન અને ચૂંટણી પ્રચાર માટે મોટું ફંડ અનિવાર્ય હોય છે, ત્યારે નાણાકીય ભીડભાડ વચ્ચે કોંગ્રેસ માટે આગામી સમયમાં રાજકીય લડત આપવી વધુ પડકારજનક સાબિત થશે.
