JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

ગુજરાતના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો પર આર્થિક માર: રાહતની જાહેરાત સામે વીમા અને પાર્સિંગના નામે ઉઘરાણી

Nov 08, 2026 | 08:40 | By JAMNAGAR MIRROR
ગુજરાતના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો પર આર્થિક માર: રાહતની જાહેરાત સામે વીમા અને પાર્સિંગના નામે ઉઘરાણી
ગુજરાતમાં એક તરફ દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે સહાયની જાહેરાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મિની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તથા પાર્સિંગના નામે રૂ. 14,450 વસૂલવાના મેસેજ આવતા ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે.

કુદરતી આપત્તિ અને દુષ્કાળનો સામનો કરી રહેલા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓના ખેડૂતો હાલ બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકારે અગાઉ હેક્ટર દીઠ સહાયની મોટી જાહેરાતો કરીને વાહવાહી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જાહેરાતોના અમલ પહેલા જ ખેડૂતોના મોબાઈલ પર સરકારી તંત્ર દ્વારા વીમા અને પાર્સિંગના નામે રૂ. 14,450 ભરવાના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને કારણે 'ડાબા હાથે રાહત આપવી અને જમણા હાથે ડબલ રકમ પરત ખેંચી લેવી' જેવો ઘાટ સર્જાયો છે, જેના કારણે અન્નદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે ગણતરીના દિવસોમાં મિની ટ્રેક્ટર વસાવતા મધ્યમ અને સીમાંત ખેડૂતો પાસેથી થર્ડ પાર્ટી વીમાના નામે રૂ. 8,650 અને પીયુસીના રૂ. 300 ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ મિની ટ્રેક્ટરો હાઇવે પર દોડવા માટે નહીં પરંતુ માત્ર ખેતરોમાં અનાજ પકવવાના શ્રમ માટે હોય છે, તેમ છતાં તેમની પાસેથી આ પ્રકારે નાણાં વસૂલવા એ ખેડૂતોના મતે સરેઆમ સરકારી લૂંટ સમાન છે. ખેડૂતો માંડ-માંડ ડીઝલનો ખર્ચ ભેગો કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના ફરજિયાત ખર્ચાઓ તેમની કમર તોડી રહ્યા છે.

વિસંગતતાની હદ તો ત્યારે થાય છે જ્યારે મૂળ ટ્રેક્ટરનો વીમો ભરેલો હોવા છતાં તેની પાછળ જોડાતી ટ્રોલી માટે અલગથી પાર્સિંગ અને વીમાના નામે વધુ રૂ. 5,500 વસૂલવાનો ફતવો બહાર પાડવામાં આવે છે. ખેડૂત સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો એન્જિનનો વીમો લીધેલો હોય તો ટ્રોલી માટે અલગથી વીમો શા માટે, શું ટ્રોલી ટ્રેક્ટર વગર ક્યારેય એકલી રોડ પર દોડવાની છે? સરકાર ભલે ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે દુષ્કાળના આ સમયમાં સહાયના ઠેકાણાં નથી અને આવા અસહ્ય ખર્ચાઓના કારણે ખેડૂતોનું દેવું સતત વધી રહ્યું છે.

LATEST ARTICLES