પ્રસિદ્ધ પર્યાવરણવાદી અને લેહ અપેક્સ બોડીના સભ્ય સોનમ વાંગચુકે શનિવારે લડાખ વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશના યુવાનો અને સરહદી વિસ્તારોના કલ્યાણ માટે અવાજ ઉઠાવવા બદલ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) પ્રશાસન દ્વારા તેમની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સતત હેરાન કરવામાં આવી રહી હોવાનો દાવો કરતા તેમણે આ સ્થિતિને 'વિચ-હંટિંગ' એટલે કે પજવણી ગણાવી છે. દેશના અન્ય ભાગોની જેમ લડાખમાં લોકશાહી અને મૂળભૂત અધિકારોનો અભાવ હોવાનો આક્ષેપ કરીને વાંગચુકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે અને સોશિયલ મીડિયા પર નાની-સૂની ટિપ્પણીઓ કે લાઈક્સ બદલ પણ એફઆઈઆર તથા ધરપકડ જેવી દમનકારી કાર્યવાહી થતી હોવાનું જણાવ્યું છે.
આ અસંતોષ પાછળ વહીવટી તંત્રની નીતિઓ જવાબદાર હોવાનું જણાવી વાંગચુકે જમીન, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રની નીતિઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે, નવી નીતિઓથી ખેડૂતોની જમીનો છીનવાઈ રહી છે અને વહીવટી તંત્ર કોર્પોરેટ જગતને પ્રોત્સાહન આપી રહ્યું છે, તેમજ દરેક ગામમાં દારૂના બાર ખોલવાને પ્રાથમિકતા અપાઈ રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અચાનક ઉભી થયેલી બે પેજીસનો ઉલ્લેખ કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમાંથી એક પેજનો ઉપયોગ તેમની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી પેજ એલજીના કામોના ગુણગાન ગાઈ રહી છે. આ પ્રકારની સોશિયલ મીડિયા ઝુંબેશ અને નીતિઓ સામે લડાખના લોકોમાં વ્યાપક રોષ અને અસંતોષ ફેલાયેલો છે.
આ વિવાદ વચ્ચે પ્રશાસન દ્વારા સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત 'હિમાલયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓલ્ટરનેટીવ્ઝ' (HIAL) અને તેની સાથે સંકળાયેલી ડેઝર્ટ ફ્લાવર સ્કૂલને પણ ઝપેટમાં લેવામાં આવી છે. ઉચ્ચ ન્યાયાલયમાં જમીનનો વિવાદ પેન્ડિંગ હોવાના કારણે સત્તાવાળાઓએ આ સંકુલમાં નવા શૈક્ષણિક સત્ર કે વર્ગો શરૂ કરવા પર રોક લગાવી દીધી છે અને કડક સ્ટેટસ ક્વો જાળવી રાખવા આદેશ કર્યો છે. અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં પ્રશાસને HIAL ની જમીન ફાળવણી રદ કરી દીધી હતી, જે મામલો હાલ કોર્ટમાં છે. પ્રશાસને એફિડેવિટમાં વાંગચુક પર ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે આ સમગ્ર પ્રકરણે લડાખના રાજકારણ અને પ્રશાસનિક માહોલમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
