JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

વ્યારા સુગરના ૮૬૮ ખેડૂતો માટે દિવાળી પાવન બની, સરકાર દ્વારા સાત કરોડથી વધુની સહાય મંજૂર

Nov 08, 2026 | 05:30 | By JAMNAGAR MIRROR
વ્યારા સુગરના ૮૬૮ ખેડૂતો માટે દિવાળી પાવન બની, સરકાર દ્વારા સાત કરોડથી વધુની સહાય મંજૂર
તાપી જિલ્લાના વ્યારા સુગરના ખેડૂતોની લાંબી લડત અને સતત અવાજ ઉઠાવવાના પરિણામે સરકાર દ્વારા રૂ. ૭.૧૪ કરોડની સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક પગલાથી ખેડૂતોના પરિવારમાં દિવાળી ટાણે ખુશીનો માહોલ છવાયો છે અને રાહતની લાગણી ફેલાઈ છે.

તાપી જિલ્લાના વ્યારા સુગર ફેક્ટરી સાથે સંકળાયેલા ૮૬૮ જેટલા ખેડૂત સભાસદો લાંબા સમયથી પોતાના બાકી નાણાં મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ખેડૂતોની આ આર્થિક મુશ્કેલી અને પ્રશ્નોને અવારનવાર યોગ્ય મંચ પૂરો પાડીને સતત વાચા આપવામાં આવી હતી, જેના પરિણામે અહેવાલો પ્રસારિત થયાના માત્ર ૩૫ દિવસની અંદર જ સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો અને સરાહનીય નિર્ણય લેતા રૂ. ૭.૧૪ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જે સીધી જ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

સરકારના આ સમયસરના અને લોકઉપયોગી નિર્ણયથી અન્નદાતાઓમાં દિવાળીના તહેવાર પહેલા જ ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની આશાએ ખેડૂતો અને તેમના પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. પોતાની વર્ષોની મહેનત અને હકની લડત આખરે રંગ લાવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સમગ્ર પ્રક્રિયામાં અવિરત અવાજ ઉઠાવવા બદલ અને ખેડૂતોના પડતર પ્રશ્નને ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ સ્થાનિક ખેડૂતોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જે પત્રકારત્વની સાર્થકતા સિદ્ધ કરે છે.

વ્યારા સુગરના ખેડૂતોને ન્યાય મળ્યા બાદ હવે રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતોમાં પણ સમાન આશાઓ જાગી છે. ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ વિસ્તારના કાંઠા સુગર ફેક્ટરી સાથે જોડાયેલા અંદાજે ૨,૫0૦ જેટલા ખેડૂતોના રૂ. ૬ થી ૭ કરોડ જેટલા નાણાં હજુ પણ અટવાયેલા હોવાનું સામે આવ્યું છે. વ્યારાના ખેડૂતોની જેમ જ આ કાંઠા સુગરના ખેડૂતો પણ પોતાના પરસેવાની કમાણી પાછી મેળવવા માટે લાંબી રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર કે પ્રશાસન દ્વારા આ ખેડૂતોના પ્રશ્ને ક્યારે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે અને તેમને ક્યારે ન્યાય મળે છે.

LATEST ARTICLES