ગુજરાતભરમાં હાલ પીટીસી (ડી.એલ.એડ.) કોલેજોમાં પ્રવેશ માટેનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર ૨૦ સ્થિત સુવિધા કચેરી ખાતે ૬ અને ૭ નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. ઓનલાઇન પોર્ટલ પર પાંચ હજાર ઉમેદવારોની સંમતિ માંગ્યા બાદ ઉપલબ્ધ બેઠકોના આધારે બે હજાર ઉમેદવારોને હાજર રહેવા જણાવાયું હતું. જો કે, એડમિશન વિભાગના અત્યંત અણઘડ આયોજન અને મોડા નોટિફિકેશનના કારણે કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર અને ડાંગ જેવા છેવાડાના અને દૂરના જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓની ભારે કફોડી સ્થિતિ સર્જાઈ હતી. તહેવારોની મોસમ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા યોગ્ય અને સમયસર માર્ગદર્શન પૂરું પાડવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અગવડતા અને વહીવટી અરાજકતાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તહેવારોના માહોલમાં બસોમાં ભારે ભીડ હોવા છતાં અગાઉથી જાણ કર્યા વિના તાત્કાલિક ગાંધીનગર બોલાવી લેવાયા હતા. બનાસકાંઠાથી આવેલા એક ઉમેદવારને કચેરીએ પહોંચ્યા બાદ ખબર પડી કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની તારીખ અલગ હતી, જ્યારે કચ્છના નખત્રાણાથી આવેલા વિદ્યાર્થીઓ માટે ૭ નવેમ્બરના કોલ લેટર માટેનું મેરિટ લિસ્ટ ૬ નવેમ્બરે સવારે ૧૧ વાગ્યાના બદલે રાત્રે ૮ વાગ્યે ઓનલાઇન મૂકવામાં આવ્યું હતું. પરિણામે, મેરિટ જોયા વિના જ નીકળી ગયેલા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ રાત્રે દોઢ-બે વાગ્યા સુધી ગાંધીનગરના રસ્તાઓ પર રઝળવા મજબૂર બન્યા હતા, જે તંત્રની ગંભીર લાપરવાહી દર્શાવે છે.
પ્રવેશ પ્રક્રિયામાં માત્ર આયોજનની જ ખામી નથી, પરંતુ મેનેજમેન્ટ ક્વોટાના નામે આડેધડ ફી વસુલવાની મોડસ ઓપરેન્ડી પણ ઉજાગર થઈ છે. એક સરકારે શિક્ષકે નામ ન આપવાની શરતે ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીના પ્રવેશ માટે અગાઉ ત્રણ લાખ રૂપિયા નક્કી થયા હતા અને તે માટે તેમણે ઘરમાંથી સોનું વેચીને નાણાં ભેગા કર્યા હતા, પરંતુ જ્યારે તેઓ એડમિશન લેવા પહોંચ્યા ત્યારે કોલેજ સંચાલકોએ સીધા પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં ચાલી રહેલા આ પ્રકારના ભ્રષ્ટાચાર અને બેજવાબદાર આયોજન સામે કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
