બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીએ પક્ષ પર ગાંધી પરિવારના સતત નિયંત્રણ અને વંશવાદ (નેપોટિઝમ) અંગેના સવાલોના સીધા જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ કેમ ગાંધી પરિવારના નેતૃત્વમાંથી બહાર નથી આવી શકી, ત્યારે તેમણે આ સવાલ પાર્ટીને જ પૂછવાનું કહ્યું હતું. વંશવાદના આક્ષેપોનો બચાવ કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષના તમામ નેતાઓ ચૂંટણી લડે છે, જેમાં ક્યારેક જીત તો ક્યારેક હાર મળે છે. આ મુલાકાત તેમના આગામી અઠવાડિયે પ્રકાશિત થનાર સંસ્મરણ ગ્રંથ 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના અંશો સાથે જ જાહેર કરવામાં આવી છે, જેમાં રાજકીય પડકારો અને ચૂંટણીમાં સતત પરાજય છતાં કોંગ્રેસ ભાજપ સામે એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકવા સક્ષમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઇન્ટરવ્યુમાં સોનિયા ગાંધીએ વર્ષ 1975માં તત્કાલીન વડાપ્રધાન અને તેમના સાસુ ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી ઇમરજન્સીને એક મોટી 'ભૂલ' ગણાવી હતી અને કહ્યું હતું કે કદાચ ઇન્દિરાજી પોતે પણ બાદમાં આ વાતથી સહમત થયા હશે. તેમણે ખુલાસો કર્યો હતો કે આ કટોકટીના નિર્ણયને લઈને ગાંધી પરિવારની અંદર જ મતભેદો હતા અને પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. તેમના પતિ રાજીવ ગાંધીએ આ નિર્ણયનો વિરોધ કરીને ચૂંટણીની રાહ જોવાની સલાહ આપી હતી, જ્યારે નાના પુત્ર સંજય ગાંધી વિપક્ષ સામે આક્રમક રૂખ અપનાવવાના પક્ષમાં હતા. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકને ટાંકતા એમ પણ સ્વીકાર્યું હતું કે સંજય ગાંધી પર કાબૂ રાખવામાં આવ્યો હોત તો તે સમયના ઘણા મોટા નુકસાન અને વિવાદોથી બચી શકાભયું હોત.
સમાચાર અને પુસ્તકની ચર્ચા દરમિયાન સોનિયા ગાંધીએ પોતાના પરિવાર પર આવેલા અંગત દુઃખો અને આઘાતોને પણ યાદ કર્યા હતા. તેમણે વર્ષ 1984માં ઇન્દિરા ગાંધી અને 1991માં પોતાના પતિ રાજીવ ગાંધીની હત્યાના દર્દનાક સંસ્મોરો વાગોળ્યા હતા. ઇન્દિરાજીની હત્યાના દિવસને યાદ કરતા તેમણે જણાવ્યું કે ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ તેમણે લોહીથી લથપથ શરીર જોયું હતું અને હોસ્પિટલ સુધીની સફર તેમના માટે અત્યંત પીડાદાયક રહી હતી. આ દુર્ઘટનાઓ પછી તેઓ લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યા હતા અને 'ભૂત'ની જેમ જીવન વિતાવ્યું હતું તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિવાદો પર બોલતા તેમણે બચાવ કર્યો હતો કે મોટાભાગના કિસ્સાઓમાં વિવાદાસ્પદ મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા હતા.
