દેશની સુરક્ષા અને આંતરિક બાબતોમાં અસ્થિરતા ઊભી કરવાના કાવતરાના ભાગરૂપે વિદેશમાંથી મોટા પ્રમાણમાં નાણાંની હેરફેર થઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની પ્રાથમિક તપાસમાં જર્મની, દુબઈ, લિથુઆનિયા, કેનેડા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ અને બ્રિટન જેવા દેશો મારફત શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું બહાર આવ્યું છે. શરૂઆતમાં આશરે દસ લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. 9.4 કરોડનો વ્યવહાર ધ્યાને આવ્યો હતો, પરંતુ વધુ તપાસ હાથ ધરાતા વધુ પાંચ લાખ ડોલરના વ્યવહારો પણ પ્રકાશમાં આવ્યા છે, જેના કારણે આ કુલ શંકાસ્પદ રકમ વધીને અંદાજે રૂ. 14 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્ક પાછળનો મુખ્ય હેતુ ભારતમાં અશાંતિ ફેલાવવાનો હોવાની પ્રબળ શંકા સેવવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રકરણમાં જર્મનીના ડો. મેથિયાસ કાર્લ વોગ્ટ ટ્રસ્ટની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે. તપાસ એજન્સીના અહેવાલ મુજબ, જર્મનીના કડક કાયદાકીય નિયંત્રણો અને નજરથી બચવા માટે આ ટ્રસ્ટે નાણાં સીધા મોકલવાને બદલે લિથુઆનિયાની 'એક્સબેઝ ડિજિટલ યુએબી' નામની કંપનીનો સહારો લીધો હતો. ઈડીના હાથ લાગેલા ડો. મેથિયાસ વોગ્ટના એક તારીખ વગરના પત્રમાં આ નાણાંની ચુકવણી ડિજિટલ કરન્સી દ્વારા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તપાસમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડિજિટલ એસેટ્સના સ્વરૂપમાં મોકલવામાં આવેલી આ રકમ હવાલા માધ્યમથી દુબઈ અને લિથુઆનિયા સુધી પહોંચાડવામાં આવી હતી, જેથી નાણાંના અસલી સ્ત્રોતને છુપાવી શકાય.
આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના તાર 'ટેક્સ હેવન' તરીકે કુખ્યાત એવા કેરેબિયન ક્ષેત્રના સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ સુધી લંબાયેલા છે, જ્યાં નોંધાયેલી 'ટીસીસી ડિજિટલ માર્કેટ્સ લિમિટેડ' કંપની સાથે પણ આ વ્યવહારો જોડાયેલા હોવાનું ખૂલ્યું છે. ટેક્સ હેવન દેશોની નાણાકીય છૂટછાટોનો ગેરલાભ લઈને આ નાણાં વિવિધ વિદેશી કંપનીઓ મારફત બ્રિટન થઈને ભારતમાં કેટલીક શંકાસ્પદ સંસ્થાઓ અને ચોક્કસ વ્યક્તિઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફેબ્રુઆરીથી માર્ચ 2026 દરમિયાન જ બ્રિટનની એક કંપનીના એરવાલેક્સ ખાતામાં દસ લાખ ડોલર જમા થયા હોવાની વિગતો મળી છે. હાલમાં ઈડી આ તમામ કડીઓને જોડીને દેશ વિરોધી ગતિવિધિઓને આર્થિક મદદ કરનાર માસ્ટરમાઇન્ડ્સ અને સ્થાનિક સહયોગીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
