ટોરન્ટો સ્થિત કેનેડિયન સરકાર દ્વારા તાજેતરમાં આગામી વર્ષો માટેનો અત્યંત મહત્ત્વપૂર્ણ ઈમીગ્રેશન લેવલ પ્લાન અને ફેડરલ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેનેડામાં લાંબા સમયથી પર્મેનન્ટ રેસીડેન્સી એટલે કે પીઆર મેળવવાની રાહ જોઈને બેઠેલા વિદેશી નાગરિકો, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટે સોનેરી તક ઊભી થઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં કેનેડા સરકાર ઉદાર હ્રદયથી લાયક ઉમેદવારોને પીઆર આપવા માટે કટિબદ્ધ છે, જેનાથી હજારો યુવાનોનું કાયમી વસવાટનું સ્વપ્ન પૂરું થઈ શકશે.
પાંચમી નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નવા બજેટ અને નીતિઓ અનુસાર, કેનેડા સરકાર ૨૦૨૭ના અંત સુધીમાં દેશમાં પહેલેથી જ રહેતા અંદાજે ૨ લાખ જેટલા અસ્થાયી નિવાસીઓ અને વિદેશી શ્રમિકોને કાયમી નિવાસી બનાવવાની દિશામાં વિશેષ પગલાં ભરી રહી છે. આ માટે '૨૦૨૭ ટીઆરથી પીઆર ટ્રાન્ઝીકશન ઉપાયો' (TPTMS) અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૨૭ માટે પર્મેનન્ટ રેસીડેન્સી આપવાનો મહત્તમ ટાર્ગેટ ૪,૨૦,০০০ નક્કી કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ વેગ આપવા માંગે છે.
નવા ઈમીગ્રેશન પ્લાન મુજબ કેનેડાએ વર્ષ ૨૦૨૭ માટે કુલ ૩.૭૦ લાખ ટેમ્પરરી રેસિડેન્ટ્સનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં ૧.૫૦ લાખ વિદેશી વિદ્યાર્થીઓ અને ૨.૨૦ લાખ વિદેશી વર્કર્સનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કેનેડાએ વર્ષ ૨૦૨૭, ૨૦૨૮ અને ૨૦૨૯ દરમિયાન દર વર્ષે આશરે ૩.૮૦ લાખ લોકોને પીઆર ફાળવવાનું આયોજન કર્યું છે. આમ, જો આ સમગ્ર યોજનાનો સરવાળો કરવામાં આવે તો કેનેડા ૨૦૨૭ના અંત સુધીમાં કુલ ૬ લાખ ૨૨ હજાર લોકોને પર્મેનન્ટ રેસીડેન્સી આપીને વિદેશી પ્રતિભાઓને પોતાના દેશમાં આવકારવા માટે પૂરી રીતે તૈયાર છે.
