JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: જો અમે હસ્તક્ષેપ ન કર્યો હોત તો આજે ઇઝરાયેલ અને મધ્ય પૂર્વનું અસ્તિત્વ જ ન હોત

Nov 07, 2026 | 20:00 | By JAMNAGAR MIRROR
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: જો અમે હસ્તક્ષેપ ન કર્યો હોત તો આજે ઇઝરાયેલ અને મધ્ય પૂર્વનું અસ્તિત્વ જ ન હોત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના દ્વારા ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા અટકાવવાને કારણે જ આજે ઈઝરાયેલ અને મધ્ય પૂર્વ સુરક્ષિત છે. બીજી તરફ, અમેરિકા ઈરાન વિરુદ્ધ સંભવિત સૈન્ય કાર્યવાહીની તૈયારીઓની સાથે કતારની મધ્યસ્થી દ્વારા રાજદ્વારી વાટાઘાટો પણ ચલાવી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર એક પ્રભાવશાળી નિવેદન આપતા જણાવ્યું છે કે, જો તેમણે સમયસર ઈરાનને પરમાણુ શસ્ત્રો હસ્તગત કરતા ન અટકાવ્યું હોત, તો આજે નકશા પરથી ઈઝરાયેલ અને સમગ્ર મધ્ય પૂર્વનું અસ્તિત્વ જ મિટાઈ ગયું હોત. આ ગંભીર નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વોશિંગ્ટન ખાતે ટ્રમ્પે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ઈરાન સામે ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ કરવાના વિકલ્પો પર ગંભીર મંથન કર્યું છે. 'ફોક્સ ન્યૂઝ' અને અન્ય અહેવાલો મુજબ, ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે ખતમ કરવા માટે કઠોર નિર્ણયો લેવા તૈયાર છે, જોકે તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભવિષ્યમાં આ જોખમ ક્યારેય ઊભું ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

એક તરફ અમેરિકી સૈન્ય દ્વારા ઈરાન વિરુદ્ધ મોટા પાયે સૈન્ય અભિયાન માટે 'યુએસ સેન્ટ્રલ કમાન્ડ'ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તો બીજી તરફ કતારની મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે પરોક્ષ વાટાઘાટો પણ ધમધમી રહી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર થયેલી ચર્ચા બાદ, ઈરાન હાલ કતાર દ્વારા રજૂ કરાયેલા શાંતિ પ્રસ્તાવોની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાને કેટલીક એવી શરતો મૂકી છે જે ભૂતકાળમાં અમેરિકાએ ફગાવી દીધી હતી, જેના કારણે આઠ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષના અંત માટે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. વ્હાઇટ હાઉસે આ પ્રસ્તાવો પર ખુલીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ ટ્રમ્પે સ્વીકાર્યું છે કે મધ્યસ્થીઓ દ્વારા તણાવ ઘટાડવાના પ્રયાસો અવિરત ચાલુ છે.

આ ત્રિપાંખિયા જંગ અને રાજદ્વારી હિલચાલ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નેસ્તનાબૂદ કરવા માટે એક નવો પેંતરો અપનાવ્યો છે. 'રિવોર્ડ્સ ફોર જસ્ટિસ' કાર્યક્રમ અંતર્ગત અમેરિકાએ ઈરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમ વિશે અંદરખાને સચોટ માહિતી કે પુરાવા પૂરા પાડનાર ઇન્ફોર્મરને પૂરા ૨૦ મિલિયન ડોલર (બે કરોડ ડોલર)નું તોતિંગ ઇનામ અને સુરક્ષિત સ્થળાંતરની ઓફર કરી છે. એક તરફ સૈન્ય હુમલાની તલવાર લટકી રહી છે અને બીજી તરફ આર્થિક પ્રલોભનો દ્વારા ઈરાનને ભીંસમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે મધ્ય પૂર્વનું આ રાજકારણ આગામી દિવસોમાં કઈ દિશા પકડશે તેના પર આખી દુનિયાની નજર છે.

LATEST ARTICLES