રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે સવારે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની એન્ટ્રી થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જસદણના વ્યાપારી અને રાજકીય વર્તુળોમાં આ અચાનક પડેલા દરોડાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે. લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવેલી આ ઓપરેશનની માહિતી બહાર આવતા જ લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને ક્ષણવારમાં આ સમાચાર આગની જેમ પ્રસરતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીથી આવેલી EDની વિશેષ ઉચ્ચ અધિકારીઓની ટીમ જસદણ તાલુકા સેવા સદન સામે આવેલ વકીલ રામ મકવાણાની ઓફિસ પર અચાનક ત્રાટકી હતી. કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના થયેલી આ રેડ દરમિયાન કાયદો અને વ્યવસ્થિત પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્રીય એજન્સીના આગમનથી સ્થાનિક વહીવટી અને ન્યાયિક બેડામાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્થળ પર પહોંચીને દુકાન અને ઓફિસના તાળા સીડીની મદદથી ખોલાવ્યા હતા અને અંદર પ્રવેશ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બેંક ખાતાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ તપાસમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને શંકાસ્પદ મિલકતો સંબંધિત ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
