દિવાળીના પાવન પર્વ પહેલા અયોધ્યા નગરી લાખો દીવાઓની દિવ્ય રોશનીથી અદભુત રીતે ઝળહળી ઉઠી હતી. ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનની ત્રેતાયુગની યાદ તાજી કરાવતા આ ૧૦મા ભવ્ય દીપોત્સવ મહોત્સવે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. રામ કી પૈડી સહિત સરયૂ નદીના ૫૬ જેટલા ઘાટો પર ૩૦ લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવતા આખી નગરી પ્રકાશના મહાસાગરમાં ફેરવાઈ ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. હજારો સ્વયંસેવકોની મહેનત અને ઉત્સાહથી તૈયાર થયેલા આ મહોત્સવને નિહાળવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અયોધ્યામાં ઉમટી પડ્યા હતા. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે પ્રશાસન દ્વારા પણ સુરક્ષાના સઘન પ્રબંધો કરવામાં આવ્યા હતા અને અઢારેય વરણના લોકોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ઐતિહાસિક મહોત્સવમાં દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ સંતો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યસૂચિ મુજબ, મુખ્યમંત્રી અને રાજ્યપાલે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું અને રામ કથા પાર્ક ખાતે જનમેદનીને સંબોધતા પહેલા ભગવાન રામ અને માતા જાનકીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સંબોધનમાં અયોધ્યાના પરિવર્તન પાછળના લાંબા સંઘર્ષ અને કારસેવકોના બલિદાનને યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ મંદિરના નિર્માણથી લઈને મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસની પ્રશંસા કરતા તેમણે નગરીના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો.
રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યાના વધી રહેલા પ્રવાસન અને સાંસ્કૃતિક મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ વૈશ્વિક સ્તરના વિકાસથી સ્થાનિક સ્તરે રોજગારીની અઢળક તકો ઊભી થઈ છે. હોસ્પિટાલિટી, પરિવહન, ફૂડ સર્વિસીસ, હસ્તકલા અને ફૂલોના વ્યવસાય જેવા ક્ષેત્રોમાં સ્થાનિક નાગરિકો માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખુલ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમિલનાડુના સામાન્ય કૃષિ પરિવારમાંથી આવતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની પ્રેરણાદાયી જીવનયાત્રાને બિરદાવી હતી. આ ભવ્ય ઉત્સવ માત્ર આસ્થાનું પ્રતીક નથી બન્યો પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના વૈભવને સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરનારું એક ઐતિહાસિક પર્વ બની રહ્યો છે.
