JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

કર્ણાટકના ઈથેનોલ વિવાદમાં રાહુલ ગાંધીનો હુમલો, C-20 પેટ્રોલને ગણાવ્યું C-420

Nov 07, 2026 | 19:06 | By JAMNAGAR MIRROR
કર્ણાટકના ઈથેનોલ વિવાદમાં રાહુલ ગાંધીનો હુમલો, C-20 પેટ્રોલને ગણાવ્યું C-420
કર્ણાટકમાં પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ મિશ્રિત હોવાના વિવાદમાં હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કૂદી પડ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ પર આકરા પ્રહાર કરતા આ મામલાને જનતા સાથેની સીધી છેતરપિંડી ગણાવ્યો છે.

કર્ણાટકના સાત જિલ્લાઓમાં તાજેતરમાં હાથ ધરેલા સેમ્પલ ટેસ્ટિંગમાં મોટો ખુલાસો થયો છે કે પેટ્રોલમાં ૨૦ ટકાને બદલે ૩૦ થી ૩૧ ટકા સુધી ઈથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી તેમજ ખાનગી ઓઈલ કંપનીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કર્ણાટકના ચકાસાયેલા ૧૪ પૈકી ૧૧ પેટ્રોલ પંપના નમૂનાઓ ફેઈલ ગયા છે, જેમાં નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓ પણ સામેલ છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા C-20 પેટ્રોલને 'C-420' તરીકે ઓળખાવ્યું છે અને તેને જનતાના વાહનોમાંથી સીધી પેટ્રોલની ચોરી સમાન ગણાવી છે.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા નિશાન પર લેતા સવાલ કર્યો છે કે દેશના નાગરિકો પોતાની ગાડીઓની ટાંકીમાં આખરે કયા પ્રકારનું ઈંધણ ભરાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશની જનતા મોંઘા ભાવનું શુદ્ધ પેટ્રોલ ખરીદવા માટે નાણાં ચૂકવે છે, પરંતુ તેના બદલામાં તેમને માત્ર ઈથેનોલ આપવામાં આવી રહ્યું છે અને નાગરિકો પાસે આ બાબતે બીજો કોઈ વિકલ્પ પણ ઉપલબ્ધ નથી. સરકારી અને ખાનગી ઓઈલ કંપનીઓની આ મનમાનીને કારણે સામાન્ય જનતાના બજેટ પર આર્થિક બોજો વધી રહ્યો છે અને આડકતરી રીતે ગ્રાહકો સાથે મોટો ફ્રોડ થઈ રહ્યો છે તેવી આક્રમક રજૂઆત તેમણે આ મામલે કરી છે.

બીજી બાજુ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કર્ણાટક સરકાર દ્વારા કરવામાં આવેલા આ ટેસ્ટિંગ અને તેના પરિણામો સામે સવાલો ઉભા કર્યા છે. કંપનીઓનો બચાવ કરતા દાવો કરવામાં આવ્યો છે કે દેશના ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૮૯૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે તમામ લેબોરેટરી ચકાસણીમાં ૧૯ થી ૨૧ ટકાની યોગ્ય રેન્જમાં જ ઈથેનોલ હોવાનું સાબિત થયું છે. ઓઈલ કંપનીઓએ કર્ણાટકની સેમ્પલ લેવાની પદ્ધતિ પર જ શંકા વ્યક્ત કરી છે અને C-20 પેટ્રોલના કારણે વાહનોના મેન્ટેનન્સ કે રિપેરીંગ ખર્ચમાં વધારો થતો હોવાની દલીલોને સંપૂર્ણપણે નકારી કાઢીને આ વિવાદને ફગાવી દીધો છે.

LATEST ARTICLES