રાજકોટ શહેર પોલીસ વધુ એક વખત ગંભીર વિવાદના ઘેરાવામાં આવી છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતી પોલીસ જ મર્યાદા ભૂલીને તાનાશાહી વલણ અપનાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સાંજે રેસકોર્સ મેદાનમાં આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં હજારોની મેદની એકત્રિત થઈ હતી. આ ભીડને નિયંત્રિત કરવાની ફરજ પર હાજર રહેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. મકવાણા અચાનક જ પોતાનો માનસિક સંયમ ગુમાવી બેઠા હતા. સ્ટેજ કે મુખ્ય સ્થળથી ઘણે દૂર શાંતિથી ઊભેલા એડવોકેટ ભરતભાઈ જોબનપુત્રાના યુવાન પુત્ર અર્પિત સાથે પીઆઈએ કોઈ જ વાંક વગર જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી હતી અને ચીક્કાર પબ્લિકની વચ્ચે તેનું ગળું પકડીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ અમાનવીય અને ગેરવર્તનને કારણે સમગ્ર ઘટનાસ્થળે હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ એડવોકેટ પિતાને થઈ, ત્યારે તેઓ ન્યાય અને સ્પષ્ટતા માટે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં હાજર સ્ટાફે તેમને બેસાડી રાખ્યા બાદ આશરે બે કલાકના લાંબા અંતરાલ પછી આવેલા પીઆઈ મકવાણાએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સત્તાના નશામાં ચૂર થઈને ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ રાખ્યું હતું. સિનિયર વકીલે જ્યારે વીડિયો ફૂટેજ બતાવીને આ પ્રકારના વર્તનને અયોગ્ય ગણાવ્યું, ત્યારે પીઆઈએ બેફામ બનીને "થાય તે કરી લ્યો, જે દરવાજેથી આવ્યા ત્યાંથી પાછા જાઓ અને વીડિયો જ્યાં અપલોડ કરવો હોય ત્યાં કરી દો" જેવા મનમાની ભર્યા શબ્દો કહીને વકીલનું પણ અપમાન કર્યું હતું. આ બનાવ બાદ પીડિત યુવકને શારીરિક દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ ખાતે જઈને મેડિકલ સારવાર લેવી પડી હતી અને એમ.એલ.સી. કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાજકોટ બાર એસોસિએશનના વકીલોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાના માર્ગદર્શન હેઠળ એક વિશેષ સર્ક્યુલર ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરના આ ગુનાહિત અને ગેરવર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. એડવોકેટ ભરતભાઈ જોબનપુત્રા દ્વારા પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની હદનો મામલો હોવાથી નિષ્પક્ષ તપાસ માટે આ પ્રકરણ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરાઈ છે. બાર એસોસિએશને પણ ચીમકી આપી છે કે જો જવાબદાર પીઆઈ સામે વહેલી તકે કડક કાયદાકીય પગલાં નહીં લેવાય, તો વકીલો દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર આંદોલનાત્મક રજૂઆતો કરવામાં આવશે.
