વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત અદ્યતન ઉપકરણોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે વ્યક્તિગત ગોપનીયતા એટલે કે પ્રાઈવસી સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોર્વે સરકારે સ્માર્ટ એઆઈ ચશ્માના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લાદવાની ગંભીર વિચારણા શરૂ કરી છે. ખાસ કરીને સંવેદનશીલ જાહેર સ્થળોએ લોકોની પરવાનગી વિના ફોટોગ્રાફી તેમજ વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ થવાની આશંકાઓને જોતાં સરકારે આ કડક વલણ અપનાવ્યું છે. આ અંગે સંસદમાં કાયદો ઘડીને આખરી નિર્ણય લેવાય તે પહેલાં કામચલાઉ નિયંત્રણો મૂકવાની યોજના ઘડવામાં આવી રહી છે.
નોર્વે સરકારના જણાવ્યા અનુસાર, આ અસ્થાયી પ્રતિબંધ મુખ્યત્વે એવા સ્થળો પર લાગુ થઈ શકે છે જ્યાં વ્યક્તિગત સુરક્ષા અને ગોપનીયતા અત્યંત આવશ્યક હોય. જેમાં હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, બાલમંદિરો, રમતના મેદાનો અને ફિટનેસ સેન્ટરના ચેન્જિંગ રૂમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગીતના કાર્યક્રમો, રમતગમતની સ્પર્ધાઓ, દરિયાકિનારા, સંગ્રહાલયો અને શોપિંગ મોલ્સ જેવા જાહેર સ્થળોએ પણ આ નિયમો લાગુ કરવાની વિચારણા છે. સરકારી અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે નવી ટેકનોલોજી દ્વારા કોઈપણ વ્યક્તિની જાણ બહાર તેનું રેકોર્ડિંગ થવું ખૂબ જોખમી છે. આ કામચલાઉ પ્રતિબંધથી સત્તાવાળાઓને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અને નીતિ-નિયમો ઘડવા માટે પૂરતો સમય મળશે.
જોકે, તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પહેરી શકાય તેવી તમામ ટેકનોલોજી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો નથી. ખાનગી ઉપયોગ માટે અને સમાજ માટે ફાયદાકારક સાબિત થાય તેવા કાર્યો તેમજ ખાસ જરૂરિયાતવાળા વર્ગો માટે યોગ્ય છૂટછાટ આપવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. હાલ સમગ્ર વિશ્વમાં સ્માર્ટ ચશ્મા અને તેનાથી જીવનશૈલીમાં આવતા ફેરફારો અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકારો અને પ્રાઈવસીનું રક્ષણ કરવા માટે નોર્વેનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
