ગોરખપુરમાં એનડીએ દ્વારા આયોજિત 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' પદયાત્રાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર દેશની લોકશાહી સામે ગંભીર જોખમ ઊભું કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષોનું વલણ અત્યંત નકારાત્મક બની ગયું છે, જ્યાં તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે હંમેશાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદોને ટાંકીને તેમણે રાહુલ ગાંધીને આડેહાથ લેતા સવાલ કર્યો હતો કે જો ઇવીએમ ખોટા છે, તો આ જ સિસ્ટમથી જીત્યા બાદ તેઓ સંસદમાં લોકસભા સભ્ય તરીકે શપથ કેમ લે છે? આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન, પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી અને નિષાદ પાર્ટીના વમુખ સંજય નિષાદ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી યાદીની વિશેષ સઘન પુનઃતપાસ (SIR) વિશે વાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા દેશમાં પહેલીવાર નથી થઈ રહી, અગાઉ પણ કોંગ્રેસ સરકારોના સમયમાં આ પ્રકારની કામગીરી થતી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો, પાકિસ્તાનીઓ અને મૃતકોના નામ હટાવવાની કામગીરી સામે વિપક્ષો જાણી જોઈને હોબાળો મચાવી રહ્યા છે. વિદેશી ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાં સામેલ હોવાને કારણે દેશના ગરીબ, દલિત અને હાંસિયામાં ધકેલાયેલા નાગરિકો તેમના લોકતાંત્રિક અધિકારોથી વંચિત રહે છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકે આ કૃત્ય બદલ દેશની માફી માંગવી જોઈએ. વિપક્ષો માત્ર લોકશાહીને મજબૂત કરવાના બદલે દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
ઇતિહાસના પાનાંઓ ફંફોસતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કટોકટી અને ભૂતકાળના બનાવોને લઈને પણ કોંગ્રેસને કઠેડામાં ઊભી કરી હતી. તેમણે પૂછ્યું કે જે પક્ષે ૧૯૭૫માં દેશ પર કટોકટી લાદી હતી અને પોલીસ અત્યાચાર દ્વારા લોકોની સંપત્તિ જપ્ત કરી હતી, તે આજે દેશને લોકશાહીના પાઠ ભણાવી રહ્યો છે. શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ ૧૯૭૫ના કાળા દિવસો માટે જનતાની માફી માંગશે? આ ઉપરાંત, તેમણે ૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન પર કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ૧૯૮૪ના સિખ વિરોધી રમખાણો સાથે જોડતા કહ્યું કે જ્યારે આખો દેશ નિર્દોષ સિખોની યાદમાં શોક વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસ નેતાઓ ઉત્સવ મનાવી રહ્યા હતા. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપની આ પદયાત્રા માત્ર રાજકીય કાર્ય નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત અને આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો એક યજ્ઞ છે.
