JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

એક્સિમ બેંક સાથે 10 મિલિયન ડોલરની છેતરપિંડી મામલે CBI દ્વારા એફઆઈઆર દાખલ

Nov 04, 2026 | 15:02 | By JAMNAGAR MIRROR
એક્સિમ બેંક સાથે 10 મિલિયન ડોલરની છેતરપિંડી મામલે CBI દ્વારા એફઆઈઆર દાખલ
ભારતની એક્સિમ બેંક સાથે યુકેની કંપની અને તેના સંચાલકો દ્વારા કરવામાં આવેલા 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 63 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે CBIએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ લોન ખાતું વર્ષ 2014માં એનપીએ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, ઇન્ડિયા એક્સિમ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર જી. સેલવા કુમાર દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં યુકે સ્થિત 'હાંજર બાયોટેક (એરિથ) લિમિટેડ' નામની કંપની, જે હવે વિસર્જન પામી ચૂકી છે, તેના ભૂતપૂર્વ ડિરેક્ટર્સ, ગેરંટર તેમજ 'નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ' અને 'હ્યુમ સિન્થેસિસ પ્રાઇવેટ લિમિટેડ' જેવી સંલગ્ન કંપનીઓ અને કેટલાક અજ્ઞાત લોકસેવકોને આરોપી બનાવવામાં આવ્યા છે. 29 સપ્ટેમ્બર 2014ની સ્થિતિએ બેંકને આશરે 63 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સમગ્ર કૌભાંડની પદ્ધતિ જોઈએ તો, હાંજર બાયોટેકે યુકેમાં પોતાના રિસાયક્લિંગ પ્રોજેક્ટ માટે મશીનરી ખરીદવા અર્થે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યો હતો. પ્રોજેક્ટની કુલ કિંમત 15.90 મિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી, જેમાં પ્રમોટર્સ દ્વારા 5.90 મિલિયન ડોલર અને બાકીની રકમ એક્સિમ બેંક પાસેથી લોન સ્વરૂપે લેવાનું નક્કી થયું હતું. વર્ષ 2012માં મુંબઈ સ્થિત એક્સિમ બેંકની એક્ઝિક્યુટિવ કમિટીએ આ પ્રોજેક્ટ માટે 10 મિલિયન ડોલરની ટર્મ લોન મંજૂર કરી હતી. જોકે, બેંક દ્વારા નાણાં જારી કરવામાં આવ્યા હોવા છતાં સ્થળ પર ક્યારેય મશીનરીનો પુરવઠો પહોંચાડવામાં આવ્યો ન હતો અને લોનની સમગ્ર રકમ ગેરરીતિ આચરીને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.

પ્રાથમિક તપાસના અહેવાલો મુજબ, મશીનરીની ખરીદી માટે મળેલા એડવાન્સ નાણાંનો દુરુપયોગ કરીને તે હ્યુમ સિન્થેસિસ સહિતની અન્ય સંલગ્ન પાર્ટીઓને લોન તરીકે આપી દેવામાં આવ્યા હતા. આમ, 10 મિલિયન ડોલરની માતબર લોનની રકમ હેતુફેર કરીને ચાંપી દેવામાં આવી હતી. સમય જતાં લોનની ચુકવણી ન થતાં વર્ષ 2014માં આ ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા અનુસાર આ કેસને સત્તાવાર રીતે 'ફ્રોડ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. હાલ CBI આ ગંભીર નાણાકીય અનિયમિતતા પાછળ સંકળાયેલા તમામ જવાબદાર અધિકારીઓ અને વ્યક્તિઓની સઘન તપાસ કરી રહી છે.

LATEST ARTICLES